દેશભરમાં આજે દશેરાનાં પાવન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. દશેરાનાં દિવસે શસ્ત્રપૂજન કરવાનું ખાસ મહત્વ હોય છે અને ઠેર-ઠેર શસ્ત્રપૂજનના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. ત્યારે રાજકોટનાં પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ દશેરા નિમિતે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. આ તકે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતાં. શાસ્ત્રોક્ત વિધિવિધાન અનુસાર શસ્ત્રોનું તેમજ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અશ્વ, શ્વાન અને વાહનનું પૂજન કરવામાં આવ્યું હતું.
આજે શસ્ત્રપૂજનમાં રાજકોટ શહેર પોલીસે ઓટોમેટિક સ્નેઈફર, રાઇફલ સહિત 10થી વધુ અલગ-અલગ હથિયારોની સાથે-સાથે અશ્વ, શ્વાન, બૂલેટપ્રૂફ વાહન અને વ્રજ વાહન સહિત વાહનોની પણ પૂજા કરવામાં આવી હતી. પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા શાસ્ત્રોક્ત વિધિ સાથે શસ્ત્રો અને વાહનોની પૂજા કરી હતી. રાજકોટમાં 3 વર્ષ પહેલા ઓટોમેટિક સ્નેઈફર રાઇફલ અને ડ્રોનનો ઉમેરો કરવામાં આવ્યો હતો, જેની પણ પૂજા કરવામાં આવી હતી. જેમાં ઓટોમેટિક સ્નેઈફરમાં ખાસિયત એ છે કે, એકસાથે 10 મેગજીન એકસાથે ચડાવી ફાયરિંગ કરી શકાય છે.