રાજકોટના નવા બનેલી સ્માર્ટ સીટી અને નવા 150 ફૂટ રીંગ રોડ પર સતત ટ્રાફિક વધી રહ્યો છે. ત્યારે રાજકોટ મનપા દ્વારા ટ્રાફિક સમસ્યાને હલ કરવા માટે વેસ્ટ ઝોનમાં એક સાથે 9 નવા બ્રિજ બનાવવા માટેના ટેન્ડર પ્રસિધ્ધ કર્યા છે. જેમાં કાલાવડ રોડ પર આવેલ કટારિયા ચોકડીએ રૂ. 150 કરોડના ખર્ચે સિગ્નેચર કેબલ બ્રીજ બનવા જઈ રહ્યો છે. ગુજરાતનો આ એવો પ્રથમ સિગ્નેચર કેબલ બ્રિજ હશે જે જમીન ઉપર નિર્માણ પામશે કારણ કે, મોટાભાગે આ પ્રકારનો બ્રિજ નદી કે દરિયા ઉપર નિર્માણ પામતો હોય છે. 30 મહિનાની અવધિમાં આ બ્રિજ તૈયાર કરવાનો ટાર્ગેટ રખાયો છે. આ ઉપરાંત વેસ્ટ ઝોનના વોર્ડ નં. 11માં નવા રીંગ રોડ પર રૂ. 42.26 કરોડના ખર્ચે અલગ-અલગ 3 બ્રિજ, રંગોલી પાર્ક નજીક રૂ. 7.20 કરોડના ખર્ચે 2 બ્રિજ, મુંજકા પોલીસ ચોકી પાસે રૂ. 5.53 કરોડના ખર્ચે 1 બ્રિજ અને રૈયા ગામથી સ્માર્ટ સીટી વચ્ચે નાલા પર રૂ. 12.65 કરોડના ખર્ચે એક બ્રિજ બનાવવામાં આવશે.
રૂ. 150 કરોડના ખર્ચે શહેરનો પ્રથમ સિગ્નેચર કેબલ બ્રિજ બનશે રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન કચેરીના ઇન્ચાર્જ સિટી એન્જીનિયર કુંતેશ મહેતાએ જણાવ્યું હતું કે, છેલ્લા 3 દિવસ દરમિયાન શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં અલગ-અલગ 9 સ્થળોએ બ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવ્યા છે. શહેરના વોર્ડ નં.11 માં કટારિયા ચોકડી ખાતે રૂ. 150 કરોડના ખર્ચે શહેરનો પ્રથમ સિગ્નેચર કેબલ બ્રિજ બનશે. ટેન્ડર મંજૂર થયા બાદ વર્ક ઓર્ડર આપ્યા પછી 30 મહિનાની સમય અવધિમાં આ બ્રિજનું નિર્માણ કામ પુરૂ થશે. થ્રી-લેયર બ્રિજમાં ગ્રાઉન્ડ ફ્લોર પર યુ ટર્ન લઇ કાલાવડ રોડ અને સેકન્ડ રિંગ રોડ તરફ જઇ શકાશે.