રાજકોટ શહેરમાં TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકા તંત્રના ચેકિંગમાં અનેક ગેરકાયદેસર બાંધકામો સામે આવેલા છે. ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસના નેતાની સહિયારી સ્કૂલમાં ગેરકાયદેસર બાંધકામ હોવાનો ખુલાસો થયો છે. આ સાથે જ સ્કૂલમાં ફાયર NOC લેવામાં આવ્યું નથી. શહેરના કોટેચા નગરમાં આવેલી કોટેચા ગર્લ્સ હાઇસ્કૂલ કે જ્યાં 750 વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. આ સ્કૂલને અગાઉ સિલ કરવામા આવી હતી અને હવે અહીં આવેલા છાપરાવાળા 2 ઓરડા ગેરકાયદેસર છે અને અહીં ફાયર NOC પણ નથી.
જ્યારે અન્ય એક વાત એ સામે આવી છે કે, છાપરાવાળા ગેરકાયદેસર 2 ઓરડાનો ગોડાઉન ઉપરાંત ચૂંટણીમાં મતદાન કેન્દ્ર તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી અને પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. નિદત બારોટની સહિયારી ગ્રાન્ટેડ સ્કૂલમાં ગેરકાયદેસર બાંધકામ અને ફાયર NOC ન હોવાનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
કોટેચા ગર્લ્સ હાઇસ્કૂલના ટ્રસ્ટી અને પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. નિદત બારોટે જણાવ્યું હતું કે, 55 વર્ષ પહેલાં કોટેચા શેઠની જમીનમાં એમને બનાવેલા મકાનમાં ઉદયાચલ ચેરીટેબલ ટ્રસ્ટ મફતમાં ભાડે મકાનમાં આ સંસ્થા ચલાવે છે. આ સ્કૂલમાં 750 જેટલી વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહી છે. જેમની પાસેથી કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. જ્યારે બાંધકામ કાયદેસર છે કે કેમ તે બાબતે જણાવ્યું હતું કે, 55 વર્ષ પહેલા રાજકોટ મહાનગરપાલિકાનું અસ્તિત્વ ન હતું અને નગરપાલિકા હતી ત્યારે આ બાંધકામ થયેલું છે.