શહેરમાં રામનાથપરા પાસેના ભવાનીનગરમાં રહેતા યુવકને બે દિવસ પહેલાં અકસ્માતમાં ઇજા થઇ હતી. બનાવને પગલે પરિવારે યુવકને અકસ્માત બાદ સામાવાળાએ મારકૂટ કર્યાનો આક્ષેપ કરતા પોલીસે યુવકના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી વધુ કાર્યવાહી કરી હતી.
રામનાથપરા પાસેના ભવાનીનગરમાં રામનાથ મંદિર પાસે રહેતા કલ્પેશભાઇ દેવજીભાઇ બાંભણિયા (ઉ.28) યુવક તેના કારીગર સોમનાથ (ઉ.35) સાથે તા.7ના રોજ બાઇકમાં જતો હતો ત્યારે રામનાથપરા સ્મશાન પાસે ટૂ વ્હિલર સાથે અથડાતા કલ્પેશ, સોમનાથ અને મોરબી રોડ પર ગિરિરાજ પાર્ટી પ્લોટ પાસે રહેતો કિશોરભાઇ સરૈયા (ઉ.21)ને ઇજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા કલ્પેશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. બનાવને પગલે બી-ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ બકોત્રા સહિતના સ્ટાફે તપાસ કરી હતી. પોલીસની તપાસમાં મૃતક ત્રણ ભાઇ એક બહેનમાં મોટો હોવાનું અને સોનીકામની મજૂરી કામ કરતા હતા. તા. 7ના રોજ તેના કારીગર સોમનાથને બોલાવી ઘેર કામ માટે આવતા હતા તે દરમિયાન આ બનાવ બન્યો હોવાનું પરિવારે જણાવ્યું હતું. પોલીસની વધુ પૂછતાછમાં યુવકને અકસ્માત બાદ સામે બાઇકમાં ત્રણ શખ્સ હોય અને મારકૂટ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.