શહેરમાં 150 ફૂટ રિંગ રોડ પર શીતલ પાર્ક પાસેના મોચીનગરમાં રહેતા અને કાપડના વેપારી યુવકે પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે ગાંધીગ્રામ પોલીસે તપાસ કરતાં યુવકના પખવાડિયા પૂર્વે જ લગ્ન હતા ને આ પગલું ભરી લેતા ખુશીનો માહોલ માતમમાં ફેલાઇ ગયો છે. બનાવને પગલે પોલીસે યુવકના આપઘાતનું કારણ જાણવા મથામણ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શીતલ પાર્ક પાસેના મોચીનગરમાં રહેતો અફઝલભાઇ અઝીમભાઇ બેલીમ (ઉ.35) એ પોતાના ઘેર પંખામાં ચાદર બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પીએસઆઇ મકરાણી સહિતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં યુવક બે ભાઇમાં નાનો હતો અને શનિ-રવિવારી બજારમાં કપડાંનો ધંધો કરતા હતા અને તેની માતા સાથે રહેતા હતા. માતા બહાર ગયા હતા અને બહારથી ઘેર આવતા પુત્રને લટકતો જોઇ દેકારો કરતા પાડોશી સહિતના લોકો એકઠા થઇ ગયા હતા.