સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અત્યાર સુધી તમામ ફેકલ્ટીમાં લેવાતી પરીક્ષામાં 70 માર્કનું પેપર લેવાતું હતું જેના માટે 24 પાનાંની મુખ્ય ઉત્તરવહી વિદ્યાર્થીઓને લખવા માટે આપવામાં આવતી હતી, પરંતુ હવે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 પ્રમાણે તમામ ફેકલ્ટીમાં 50 માર્કની થિયરી અને 50 માર્કની પ્રેક્ટિકલ એવી નવી સિસ્ટમથી પરીક્ષા લેવાની છે. પેપરમાં થિયરીના માર્ક ઘટી જતા હવે યુનિવર્સિટી 24 પાનાંને બદલે 16 પાનાંની ઉત્તરવહી છપાવશે. પરીક્ષાના માર્ક ઓછા થવાને લીધે ઉત્તરવહીના પાનાંની સંખ્યા પણ ઘટાડવામાં આવશે.
આવું કરવાથી યુનિવર્સિટીને વર્ષે આશરે રૂ.1 કરોડની બચત થશે. યુનિવર્સિટી વર્ષે આશરે 300થી વધુ પરીક્ષા લે છે જેમાં આશરે 50 લાખ જેટલી ઉત્તરવહીની ડિમાન્ડ રહે છે. હવે તેમાં પાનાં ઘટાડવાથી યુનિવર્સિટીને લાભ થશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરી દેવામાં આવી છે. પરીક્ષા સહિતની કામગીરી પણ નવી શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવી રહી છે. NEP પ્રમાણે તમામ ફેકલ્ટીમાં હવે પરીક્ષાની પદ્ધતિ 50 માર્કની થિયરી અને 50 માર્કની પ્રેક્ટિકલ એવી કરવામાં આવી છે. જે-તે ફેકલ્ટીમાં પ્રથમ ચાર વિષયના પેપર 50 માર્કના અને બે-બે કલાકના લેવાય છે. જે નવી શિક્ષણ નીતિ મુજબ મેજર-માઇનર વર્ગ હેઠળ 4-4 ક્રેડિટ પોઈન્ટના હોય છે. જ્યારે પાછલા ત્રણ વિષયના પેપર 25 માર્કના અને એક કલાકના લેવામાં આવે છે જે આઇકેએસ અંતર્ગત 2-2 ક્રેડિટ પોઇન્ટના હોય છે.