નવાગામ પાસે રસ્તો ઓળંગી રહેલા વૃદ્ધનું બાઇકની ઠોકરે મોત

શહેરમાં કુવાડવા રોડ પર નવાગામ પાસે પગપાળા રોડ ક્રોસ કરતા વૃદ્ધને ધૂમ બાઇકે ઠોકરે લેતા તેનું મોત નીપજતા કુવાડવા પોલીસે અકસ્માત બાદ નાસી જનાર બાઇકચાલક સામે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.

નવાગામ (આણંદપર ગામ)એ રહેતા ભૂપતભાઇ ભીમજીભાઇ બાહુકિયા (ઉ.55) શનિવારે રાત્રીના તેના ઘર નજીક હાઇવે ક્રોસ કરી જતા હતા. તે દરમિયાન અજાણ્યા બાઇકસવારે ઠોકરે લેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે કુવાડવા પોલીસ મથકના જમાદાર પી.આર. મકવાણા સહિતે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક વૃદ્ધ નિવૃત્ત જીવન ગાળતા હતા અને તેને સંતાનમાં ત્રણ પુત્ર હોવાનું પરિવારે જણાવ્યું હતું. પોલીસની વધુ પૂછતાછમાં ભૂપતભાઇ શનિવારે રાત્રીના તેના ઘર પાસે હોટેલે ચા પાણી પીવા માટે જતા હતા તે દરમિયાન આ બનાવ બન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *