વીંછિયા તાલુકાના મોટામાત્રા ગામે દેવીપૂજક યુવાન ઉપર આડા સંબંધની શંકાએ ચોટીલાના ધારેઈ અને સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના કસવાળી ગામના સાત શખ્સએ પરિવારની નજર સામે જ હુમલો કરતા ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા બાદ તેનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. વીંછિયા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી સાતમાંથી ત્રણ આરોપીને ઝડપી લીધા હતા. જ્યારે ચાર શખ્સની શોધખોળ શરૂ કરી હતી. જો કે આ હત્યાના બનાવના પગલે એફએસએલની ટીમ અને વીંછિયા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સ્થળ તપાસ કરવા સહિત આગળની તજવીજ હાથ ધરી હતી.
વીંછિયાના મોટામાત્રા ગામે રહેતા મુળ ખારચિયાના વતની રાયધનભાઈ વશરામભાઈ સાડમીયાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે ચોટીલાના ધારેઈ ગામના રમેશ મેરામ, સતા રમેશ, ટોના રમેશ, સાયલાના કસવાળી ગામના ચોથા સગરામ મંદુરીયા, રામકુ ચોથા મંદુરીયા, વનરાજ ચોથા મંદુરીયા અને ઉમેશ ચોથા મંદુરીયાનું નામ આપ્યું હતું. જે ફરિયાદમાં જણાવ્યા મુજબ, રાયધનભાઈનો નાનો ભાઈ મયુર ઉર્ફે મયલો વશરામભાઈ સાડમીયા(ઉ.વ.22) ને સાયલાના કસવાળી ગામના વનરાજ ચોથા મંદુરીયાની પત્ની ગડુ સાથે આડો સંબંધ હોવાની શંકાએ વનરાજ સાથે ઝઘડો થયો હતો.
ગઈકાલે સાંજે વનરાજ સહિતના સાતેય શખ્સ મોટામાત્રા ગામે ઝુંપડામાં રહેતા દેવીપૂજક પરિવારના ઘરે ગયા હતા. જ્યાં મયુર હાજર ન હોય મોટામાત્રા ગામે મજૂરી કામેથી પરત આવતા મયુર અને તેના પરિવારજનો ચોકડી પાસે ઉભા હતા. ત્યારે આ ટોળકીએ આવીને છરી, કુહાડી, પાઈપ, ધારિયા, લાકડી જેવા હથિયારો સાથે હુમલો કર્યો હતો. બાદમાં દેકારો થતા તમામ હુમલાખોરો ત્યાંથી નાસી ગયા હતા. આ હુમલામાં મયુરને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને પ્રથમ વીંછિયા સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે મયુરની ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.