સિક્સલેનની ચાલતી ધીમી કામગીરીના લીધે ગોંડલની ગોમટા ચોકડીએ વારંવાર ટ્રાફિકજામ

ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ચોમાસાના વરસાદ બાદ ખખડધજ થઈ ગયો છે અને આ ગાડા માર્ગ સમા હાઇવે ઉપર સિક્સ લેનનું કામ ચાલી રહ્યું છે.ત્યારે ડાયવર્ઝન તથા સર્વિસ રોડનાં અણઘડ આયોજનને કારણે વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે.ગોમટા ચોકડી પાસે પણ આ જ હાલત હોય અકસ્માતને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોય છે. આવા સમયે પોલીસ કે હાઇવે ઓથોરિટીની ગેરહાજરીના લીધે વાહનચાલકોને પરેશાની વેઠવી પડે છે. સુરેશ્વર ચોકડી ભોજપરા, સેમળા, ભુણાવા,ગોમટા ચોકડી સહિત ઓવરબ્રિજના કામ ચાલી રહ્યા હોય હાઈવે ઓથોરિટી દ્વારા સર્વિસ રોડનું કામ યોગ્ય કરવામાં આવી રહ્યું નથી, ઉપરાંત તે માટે કોઇ દિશાસૂચક સાઇનબોર્ડ પણ રાખવામાં આવ્યા નથી. જેના પરિણામે ટ્રાફિક જામની સમસ્યા માથાના દુ:ખાવા સમાન બની જવા પામી છે આ ઉપરાંત ભોજપરા પાસે બનાવવામાં આવી રહેલ ઓવરબ્રિજ નજીકનો સર્વિસ રોડ એકદમ સાંકડો હોય પરિણામે ઘણા વાહનો પલટી ખાઈને અકસ્માત સર્જી રહ્યા છે.ગોમટા ચોકડી પાસે પણ આજ હાલત સર્જાતી હોય હોય લોકોના જીવને જોખમ થઈ રહ્યું છે. ગોમટા ચોકડીએ દિવસમાં અનેકવાર સર્જાતા ટ્રાફિકજામના લીધે ઇમરજન્સી એમ્બ્યુલન્સને પણ ગંતવ્ય સ્થાને પહોંચવામાં પણ ખાસ્સો સમય લાગી રહ્યો છે.

એક તો ગુંદાળા ફાટક બંધ હોવાથી તેના માટે પણ વૈકલ્પિક માર્ગ જ વાહનચાલકોએ પસંદ કરવો પડી રહ્યો છે અને ત્યાં પણ ટ્રાફિકનો જમેલો સર્જાય છે ત્યારે તંત્ર દ્વારા તાકીદે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આ ઉપરાંત સર્વિસ રોડ પર યુ ટર્ન લેવાની કોઈ વ્યવસ્થા ન હોય જો કોઈ વાહનને યુ ટર્ન લેવો હોય તો દોઢથી બે કિ.મી નો ફોગટનો ફેરો ફરવાની જરૂર પડે છે. આથી આ બાબતે યોગ્ય કરવા નિર્ણય લેવા રજૂઆત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *