એક તરફ આરોગ્યમંત્રી આજે 100 નવી 108 એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવી રહ્યા હતા, તો બીજી તરફ આરોગ્ય સુવિધાઓ તળિયે ગઈ હોવાની ચાડી ખાતી એક ઘટના સામે આવી છે. રાજકોટના ગુંદાવાડીમાં આવેલી પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલની બહાર રસ્તા પર જ સગર્ભાની ડિલિવરી થઈ ગઈ હતી. આ દર્દનાક દૃશ્યોએ ‘ગુજરાત મોડલ’ની પોલ ખોલી દીધી છે.
પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલ બહાર સગર્ભા ભારે વેદના સાથે રસ્તા પર હોય છે અને બાદમાં દોડી આવેલા તબીબી સ્ટાફને મહિલાની રસ્તામાં જ પ્રસૂતિ કરાવવી પડી હતી. આ મામલે પરિવારે આક્ષેપ કર્યો છે કે પહેલા મહિલાની ડિલિવરી કરવાને બદલે કેસ કઢાવવાનો હોસ્પિટલ દ્વારા આગ્રહ રાખવામાં આવ્યો હતો.
જ્યારે હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું હતું કે સગર્ભાને વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ તે કોઈ કારણસર બહાર નીકળી ગઈ હોવાથી હોસ્પિટલ બહાર ડિલિવરી થઈ છે. જોકે આ પ્રકરણમાં તપાસ બાદ કાર્યવાહી થશે. અહીં સવાલ એ થઈ રહ્યો છે કે મહિલા કણસતી હાલતમાં બહાર જતી હતી તો હોસ્પિટલ સ્ટાફે રોકી કેમ નહીં?