સલ્ફરનો સોદો કરી રાજકોટની પેઢી સાથે રૂપિયા 4.78 કરોડની ઠગાઇ

શહેરની ભાગોળે રામપર બેટીના ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં આવેલી કે.એન. કોર્પોરેશન પ્રા.લિ.ના મેનેજર સાથે 10 હજાર મેટ્રિક ટન સલ્ફરનો સોદો કરી પાંચ શખ્સે રૂ.4.78 કરોડની છેતરપિંડી આચરી હતી. ગઠિયાઓએ પેઢીના મેનેજર પાસેથી અેડવાન્સમાં રકમ મેળવી લીધી હતી, પરંતુ માલ નહીં મોકલી ઠગાઇ કરી હતી.

કે.એન. કોર્પોરેશનના મેનેજર પ્રવીણભાઇ ભીખુભાઇ બગડા (ઉ.વ.48)અે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ચંચલ રાની શર્મા, માયાદેવી શર્મા, કપિલ શર્મા, વિશ્વમ શર્મા અને ગાંધીધામના પરાગ કિરીટ દેસાઇના નામ આપ્યા હતા. પ્રવીણભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની કંપની સલ્ફર ટ્રેડિંગનું કામ કરે છે અને ગાંધીધામનો પરાગ દેસાઇ તેમની સાથે લાંબા સમયથી નિયમિત દલાલ તરીકે કામ કરતો હતો. સપ્ટેમ્બર 2023માં પરાગ દેસાઇ સલ્ફર ગ્રેન્યુઆલના દાણા લઇને આવ્યો હતો અને આ દાણાનો માલ દિલ્હીની ઇમ્પોર્ટ એક્સપોર્ટ એન્ડ ટ્રેડિંગ કંપનીના વિશ્વમ શર્મા સારા ભાવે આપશે તેવી વાત કરી હતી ત્યારબાદ વિશ્વમ સાથે રૂ.8.31 કરોડમાં 10 હજાર મેટ્રિક ટન સલ્ફરનો કોન્ટ્રાક્ટ નક્કી થયો હતો. વિશ્વમ શર્માએ પ્રોમિસ સેલ અને પ્રોમિસ એગ્રીમેન્ટ કરી દીધું હતું જ્યારે રાજકોટની કંપનીના મેનેજર બગડાએ રૂ.2 કરોડ ચૂકવી દીધા હતા. છતાં માલ મળ્યો ન હતો. ત્યારબાદ માલ શિપમાં લોડિંગ થઇ રહ્યો છે પરંતુ પૈસા નથી તેમ કહીને વધુ રૂ.2.25 કરોડ પ્રવીણભાઇ પાસેથી પડાવ્યા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *