રાજકોટના માંડાડુંગરમાંથી અગાઉ ત્રણ વાર પકડાયેલ બોગસ તબીબ સંજય સોમપુરાને ચોથીવાર SOGની ટીમે પકડી પાડી રૂ. 45,000 ની દવા, ઈન્જેકશન સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. ધો.10 પાસ સંજય સોમપુરા ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરી અનુભવ મેળવ્યા બાદ સલ્મ વિસ્તારમાં દવાખાનું ખોલી કમાણી કરતો હતો. મહિલાઓની ગાયનેક તેમજ બાળકોની બીમારીની તપાસ કરી દવા આપતો હતો અને તેમનાં આરોગ્ય સાથે ચેડા કરતો હતો. SOG પીઆઈની રાહબરીમાં પીએસઆઇ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બોગસ તબીબને ઝડપી પાડયો હતો. જોકે કહી શકાય કે ડિગ્રી વિનાના તબીબો એક વખત પકડાયા બાદ પણ છૂટી જઈને ફરી પોતાની દુકાન શરૂ કરી દે છે અને દર્દીઓના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરે છે કારણકે તેઓ પર હળવી કલમો હેઠળ ગુનો નોંધાય છે અને સરળતાથી જામીન મળી જાય છે.
માંડાડુંગર વિસ્તારમાં શ્રી રામ પાર્ક મેઇન રોડ બાપાસીતારામ ડેરીની સામે મેડિકલ ડીગ્રી વગર એક શખ્સ સંજીવની ક્લિનીક નામે દવાખાનું ચલાવતો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી ત્યાં હાજર એક શખ્સ લોકોને તપાસતો હોય જેની અટકાયત કરી તેનું નામ પૂછતાં સંજય રસીક સોમપુરા (ઉ.વ.59),(રહે.શ્રી રામ પાર્ક શેરી નં.1, આજીડેમ ચોકડી પાસે) હોવાનું જણાવ્યું હતું. તેમની પાસે મેડીકલ ડિગ્રી અંગે પૂછતાં તેમની પાસે કોઈ કોઈપણ જાતની ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હોવાની કબૂલાત આપતાં સંજય સોમપુરાની ધરપકડ કરી દવાખાનામાંથી હોસ્પિટલના સાધનો, એલોપેથિક દવાઓ, ઇન્જેકશન અને રોકડા મળી રૂ. 45,270નો મુદામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરી હતી.