સરધારમાં રહેતા યુવકે બે મહિના પૂર્વે રાજકોટ ફૂડ વિભાગમાં અરજી કરી હોય તેનો ખાર રાખી બે મહિલા સહિત પાંચ શખ્સે તેના પર હુમલો કર્યો હતો. પોલીસે ગુનો નોંધી હુમલાખોરની શોધખોળ શરૂ કરી હતી.
સરધારમાં રહેતા ધર્મેશ ગોરધનભાઇ ઢાંકેચા (ઉ.વ.38)એ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં અારોપી તરીકે મનિષા શૈલેષ ઢાંકેચા, શીતલ વિપુલ ઢાંકેચા, શૈલેષ મનજી ઢાંકેચા, વિપુલ મનજી ઢાંકેચા અને વિશાલ શૈલેષ ઢાંકેચાના નામ આપ્યા હતા.
ધર્મેશ ઢાંકેચાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના ઘર નજીક શૈલેષ તથા વિપુલ ઢાંકેચા ઓઇલ મિલ ચલાવે છે. તેનો કચરો મકાનના નવેરામાં નાખતા હોવાથી બે મહિના પહેલાં ધર્મેશે રાજકોટ ફૂડ વિભાગમાં અરજી કરી હતી જે સંદર્ભે શનિવારે ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટર સંજયભાઇ મિલે આવ્યા હતા અને ધર્મેશને બોલાવતા તે પણ ત્યાં ગયો હતો. ફૂડ વિભાગ દ્વારા નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી હતી ત્યારે મહિલા સહિતના ઉપરોક્ત પાંચેય શખ્સ ધર્મેશ પાસે ધસી ગયા હતા અને અમારી વિરુદ્ધ કેમ ફરિયાદ કરો છો તેમ કહી શરૂઆતમાં ફડાકા ઝીંકી દીધા હતા અને ત્યારબાદ ઢીકાપાટુનો માર માર્યો હતો. ઘટનાને પગલે દેકારો મચી ગયો હતો. પોલીસે ધર્મેશની ફરિયાદ પરથી ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ શરૂ કરી હતી.