અડધું સત્ર પૂરું થવા આવ્યું છતાં 350થી વધુ શાળાઓની ફી હજુ નિર્ધારિત ન થઇ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની 5500થી વધુ શાળાઓની ફી નિર્ધારણ પ્રક્રિયા કરવાની હોય છે, પરંતુ હાલ આગામી નવરાત્રિ બાદ શાળાઓમાં પ્રથમ સત્રની સત્રાંત પરીક્ષા શરૂ થવાની છે. એટલે કે અડધું શૈક્ષણિક સત્ર પૂરું થવા આવ્યું છતાં હજુ સુધી અંદાજિત 350થી વધુ શાળાઓની ફી હજુ નક્કી થઇ શકી નથી.

નવી એફઆરસી કમિટી બની પછી 8થી વધુ વખત ફી નિર્ધારણ માટેની મિટિંગ મળી ગઈ છે. હાલ ફી વધારો માગનાર શાળાઓની સુનાવણીની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. એકબાજુ નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે જ કેટલીક શાળાઓએ શરતી ફી વધારો વાલીઓ પાસેથી વસૂલી લીધો હતો. વાલીઓને કહેવાયું હતું કે, હાલ નવી ફી પ્રમાણે જ રકમ ભરવાની રહેશે ત્યારબાદ એફઆરસી જે ફી નક્કી કરે તે પ્રમાણે વધ-ઘટ સરભર કરી આપવામાં આવશે.

અગાઉ એફઆરસી કમિટીના તમામ સભ્યોની મુદત પૂરી થઇ ગઈ હતી અને નવા સભ્યોની નિમણૂક હજુ સરકારે કરી ન હોવાને કારણે વર્ષ 2024-25 માટેની ફી નિર્ધારણ કામગીરી હાલ ઠપ થઇ હોવાની સ્થિતિ સર્જાઈ હતી. સૌરાષ્ટ્રની ઘણી ખાનગી શાળાઓની ફી નિર્ધારિત કરવાની પ્રક્રિયા બાકી હતી, પરંતુ તેમ છતાં ઘણી શાળાઓએ સત્રના પ્રારંભે જ ફી વધારો કરી દીધો હતો અને વાલીઓ પાસેથી પ્રોવિઝનલ ફી પણ વસૂલી હતી, પરંતુ હજુ આશરે 350થી વધુ શાળાની ફી નિર્ધારિત કરવાની બાકી હોવાથી વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *