પવિત્ર યાત્રાધામ એવા વિરપુર જલારામ ગામનો હાર્દ સમો અને જૂના બસ સ્ટેન્ડથી જલારામ અતિથી ગૃહ, રેલ્વે સ્ટેશન રોડ, જેનું નવુ નામ સ્વ. વેલજીભાઈ સરવૈયા માર્ગ રાખવામાં આવ્યું છે, આ રોડ આર.સી.સી. રોડ મંજૂર કરી દેવામાં આવ્યો હોવા છતાં પણ હજુ સુધી આ કામ શરૂ થયું નથી. હાલમાં આ રોડ અત્યંત ખાડા ખાબડાવાળો, જર્જરિત અને બિસ્માર બની ગયો છે. વાહન ચાલકો, રાહદારીઓ, યાત્રાળુઓ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના વાહન ચાલકો અહીંથી પસાર થવામાં પારાવાર હાલાકી વેઠી રહ્યા છે ત્યારે કામચલાઉ મરામત કરાવી દેવા અથવા તો મંજૂરી મળી ગઇ હોઇ રોડનું રીસરફેસિંગ કરવામાં આવે તેવી માગણી કરાઇ છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં તહેવારોની સીઝનમાં તેમજ આવનાર નવેમ્બર માસમાં દિવાળી તેમજ જલારામ બાપાની જયંતિ વિગેરે ધાર્મિક તહેવારો આવતા હોય, જેથી યાત્રાળુઓ, વાહન ચાલકો, આજુબાજુના ગ્રામજનોના લોકોને, સ્થાનિક પ્રજાજનોને હાલાકી વેઠવી ન પડે તે માટે આ રોડનું આર.સી.સી. કામ ઝડપથી શરૂ કરી અને બનાવી આપવામાં આવે તેવી લેખીત રજુઆત યુવા એડવોકેટ અનીલભાઈ સરવૈયાએ કરી છે.