રાજકોટ રેલવેએ સૌરઊર્જાથી 2.82 લાખ કિલોવોટ વીજળીનું ઉત્પાદન કરી રૂપિયા 18.91 લાખ બચાવ્યા

પશ્ચિમ રેલવે પર્યાવરણ સંરક્ષણને ધ્યાને રાખી 2030 સુધીમાં નેટ ઝીરો કાર્બન એમિટરના લક્ષ્ય સાથે સૌરઊર્જાના ઉપયોગથી વીજળીની જરૂરિયાત ઊભી કરી રહ્યા છે. જેને કારણે પશ્ચિમ રેલવેમાં આવતા છ ડિવિઝનના 229 સ્ટેશન અને કચેરીઓમાં 13.08 મેગાવોટના સૌર પેનલ લગાડવામાં આવ્યા છે. જે સૌરઊર્જાથી ચાલુ વર્ષના ઓગસ્ટ મહિના સુધીમાં 12.36 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરી રૂ.3.33 કરોડની બચત કરી છે. જેમાં રાજકોટ ડિવિઝને પણ ચાલુ નાણાકીય વર્ષના ઓગસ્ટ મહિના સુધીમાં રૂ.18.91 લાખની બચત કરી છે.

ગ્રીન અને રિન્યૂએબલ એનર્જી તરફ આગળ વધી રહેલા રાજકોટ ડિવિઝનના ડીઆરએમ અશ્વિની કુમારે વિગતો આપતા જણાવ્યું કે, રાજકોટ ડિવિઝનમાં 18 રેલવે સ્ટેશન અને 7 રેલવેની ઓફિસ પર કુલ 539 કિલોવોટ ક્ષમતાની સોલાર પેનલો લગાડી વીજ જરૂરિયાત માટે સૌરઊર્જાનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. જેને કારણે ચાલુ વર્ષે ઓગસ્ટ મહિના સુધીમાં રાજકોટ ડિવિઝને કુલ 2,82,666 કિલોવોટ વીજળીનું સૌરઊર્જાનું ઉત્પાદન થયું છે. જે ઉત્પાદન 226 ટનથી વધુના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવાની સમકક્ષ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *