રાજકોટમાં આજે શિક્ષકોનું સન્માન કરી શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તાલુકા કક્ષાએ 1 અને જિલ્લા કક્ષાએ 2 શ્રેષ્ઠ શિક્ષકોનુ રોકડ પુરસ્કાર આપી સન્માન કરાયું હતું. જેમાં જિલ્લા કક્ષાએ PM SHREE પ્રોજેક્ટમાં પસંદગી પામેલી અને બાળકો માટે સ્કૂલમાં ઓલમ્પિકનુ આયોજન કરતા તો બાળકોને અભ્યાસ માટે કાગળ અને પૂઠ્ઠાના વર્કિંગ મોડેલ બનાવતા 2 ઇનોવેટિવ શિક્ષકોને જિલ્લા કક્ષાએ રૂ. 15,000નો અને દીકરીઓને અભ્યાસમાં આગળ વધારવા ઉપરાંત ઈનોવેટિવ પ્રવૃત્તિઓ કરતા શિક્ષકને તાલુકા કક્ષાએ રૂ. 5,000 નો રોકડ પુરસ્કાર શ્રેષ્ઠ શિક્ષકને એનાયત કરવામાં આવ્યો હતો. સન્માન સમારોહ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા શિક્ષણ અધિકારી સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા.
લોધિકાની માંખાવડ શાળાના શિક્ષક અનિલભાઈ વૈષ્ણાનીને જિલ્લા કક્ષાનો એવોર્ડ એનાયત કરાયો હતો. તેમણે જણાવ્યું હતું કે, ધોરણ 1 ના 29 બાળકોને અભ્યાસ કરાવું છું. અહીં અમે નવી શિક્ષણ નીતિનો અમલ કરેલો છે. ચિત્ર અને રમકડાઓ દ્વારા શિક્ષણ આપવું તે મારું લક્ષ્ય છે. અમે કાગળ અને પૂઠાના વર્કિંગ રમકડા તૈયાર કર્યા છે. જેમાં પ્રાણીઓ, પક્ષીઓ અને વાહનોના રમકડા છે. શહેર અને ગામડાઓનું દ્રશ્ય બતાવ્યું છે જેમાં જે રીતે રસ્તાઓ ઉપર વાહનો ચાલતા હોય છે તે રીતે ચિત્રમાં પણ વાહનો ચાલતા હોય તેવું દ્રશ્ય ખડુ કર્યુ છે. IIM દ્વારા સર રતન ટાટા ઇનોવેશન એજ્યુકેશન એવોર્ડ પ્રાપ્ત કરેલો છે. બાદમા પ્રાચીન સિક્કાઓનો શિક્ષણમાં ઇનોવેટિવ ઉપયોગ કરવા બદલ એવોર્ડ મળ્યો હતો. શિક્ષણમાં ઉપયોગમાં આવતા કવિઓ, લેખકો, સાહિત્યકારો, ઇતિહાસકારો સહિતના 400 જેટલા વ્યક્તિ ચિત્રો બનાવવા બદલ પણ એવોર્ડ મળેલો છે.