રાજકોટમાં વરસાદે વિરામ લીધાને એક સપ્તાહ પૂર્ણ થયું છતાં હજુ પણ રાજકોટના 1થી 18 તમામ વોર્ડમાં પ્રજાને અનેક સમસ્યા સતાવી રહી છે. રાજકોટમાં ઠેર-ઠેર રસ્તા પર ખાડા અને ગટરો ઉભરાઇ દુર્ગંધ યુક્ત પાણી બહાર આવી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. લોકો અનેક ફરિયાદો કરી રહ્યા પરંતુ ફરિયાદોનો ઉકેલ ત્વરિત આવી શકતો નથી. નેતાઓ કાગળ ઉપર કામગીરીની સૂચના આપી એક સપ્તાહમાં નિકાલની વાતો કરી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે નેતાઓ તો હવે સદસ્યતા અભિયાનમાં વ્યસ્ત બની ગયા છે અને પ્રજા અનેક સમસ્યાથી ત્રસ્ત થઇ ગઇ છે.
જન્માષ્ટમીના તહેવાર દરમિયાન સતત ચાર દિવસ રાજકોટમાં વરસાદી માહોલ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જોકે, આ પછી છેલ્લા એક સપ્તાહથી વરસાદે વિરામ લઇ લીધો છે અને વરસાદે વિરામ લેતાની સાથે મનપાના અધિકરીઓ પદાધિકારીઓ રોડ રસ્તા પરના ખાડા, સાફ સફાઈ, ગટર સહિતના પ્રશ્નો હલ કરી દેવા વાયદો કરવામાં આવ્યો હતો. જોકે, આમ છતાં રાજકોટ શહેરમાં કુલ 18 વોર્ડનો સમાવેશ થાય છે અને તમામ 18 વોર્ડમાં ડ્રેનેજની ફરિયાદો સૌથી વધુ ઉઠી રહી છે. રાજમાર્ગો ઉપર હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ગટરના પાણી પીવાના પાણીની લાઈનમાં ભળી ગયાની પણ ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે મહાપાલિકાના નેતાઓ આ સમસ્યાઓ ઉકેલવા માટે લોકોની વ્હારે જવાના બદલે સદસ્યતા અભિયાનમાં વ્યસ્ત બની ગયા છે.