રાજકોટમાં ધમાલ કરનાર મહંતના આશ્રમમાંથી ગાંજાના છોડ મળ્યા

રાજકોટમાં સોમવારે કાલાવડ રોડ પર મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે સરાજાહેર આતંક મચાવી જીએસટીના કમિશનરની કારના કાચ ફોડી નાખવાના ગુનામાં એ-ડિવિઝન પોલીસે મહંત સહિત ચાર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવ્યા બાદ જિલ્લા પોલીસે વડવાજડી ખાતે મહંતે સરકારી જમીનમાં આશ્રમ બનાવી તેમાં રાત્રે ગોરખધંધા કરતા હોવાની અને આશ્રમમાં માદક પદાર્થનું વાવેતર કરતા હોવાની જાણ થતા રૂરલ એસઓજીએ દરોડો પાડી શંકાસ્પદ મળેલી વનસ્પતિ કબજે કરી તેને એફએસએલમાં મોકલી તપાસ હાથ ધરી હતી.

પોલીસ સૂત્રાેના જણાવ્યા મુજબ સોમવારે રાત્રીના કિસાનપરા ચોકમાં ટ્રાફિકજામ હોય કારમાં મહંત સહિતના ચાર શખ્સોએ રોંગ સાઇડમાં ચલાવી અંડરબ્રિજમાં સામેથી આવતી જીએસટી કમિશનરની કારને અટકાવી પાછળ લેવા માટે ચાલકને ધાકધમકી આપી હતી અને કારના કાચ ફોડી નાખ્યા હતા. ત્યાર બાદ કાલાવડ રોડ પર વાહનો અટકાવી આતંક મચાવ્યો હતો.

બનાવને પગલે એ-ડિવિઝન પોલીસે કારચાલક ભાવિન ભાઇની ફરિયાદ પરથી જેતપુરના વતની અને હાલ વડવાજડીમાં શ્રીનાથજી આશ્રમમાં રહેતા મહંતયોગી ધરમનાથ ઉર્ફે જીજ્ઞેશ નવીનચંદ્ર ધામેલિયા, ચિરાગ પ્રવીણભાઇ કાલરિયા, પ્રવીણ વાઘજીભાઇ મેર, અભિષેક સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. દરમિયાન આતંક મચાવનાર મહંતે કાલાવડ રોડ ચર મેટોડા નજીક વડવાજડી ગામે સરકારી જમીન પર અખિલ ભારતવંશ અવધૂત આશ્રમ બનાવી દીધાનું અને ગાંજાનું વાવેતર કરતા હોવાનું તેમજ રાજકીય વગ ધરાવતા હોવાની ચર્ચાએ જિલ્લા એસઓજી અને મેટોડા પોલીસના સંયુક્ત દરોડા પાડ્યા હતા. જેમા આશ્રમ પાસેથી શંકાસ્પદ વનસ્પતિના છોડ મળી આવ્યા હતા. જે પોલીસે કબજે કરી એફએસએલમાં પરીક્ષણ માટે મોકલી કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *