રાજકોટમાં ઓગસ્ટમાં ગત માસ કરતા 2177 દસ્તાવેજ ઓછા થયા

જન્માષ્ટમીના તહેવારો અને ચોમાસાની સિઝનના કારણે રાજકોટની 18 સબ રજિસ્ટ્રાર કચેરીમાં જુલાઇ માસની સરખામણીમાં ઓગસ્ટ માસમાં દસ્તાવેજોની નોંધણીમાં મોટું ગાબડું પડ્યું છે અને સરકારને સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફીની આવકમાં પણ રૂ.5.16 કરોડનો ઘટાડો નોંધાયો છે.

રાજકોટ જિલ્લાની 18 સબ રજિસ્ટ્રાર કચેરીમાં જુલાઇ માસમાં 14795 દસ્તાવેજ નોંધાયા હતા. નવા નાણાકીય વર્ષની શરૂઆતથી થયા બાદ પ્રથમ ત્રણ માસમાં દસ્તાવેજોની નોંધણીમાં સતત વધારો થયા બાદ ઓગસ્ટ માસમાં જન્માષ્ટમીના તહેવારો અને ભારે વરસાદને કારણે દસ્તાવેજોની નોંધણીમાં 2177નું ગાબડું પડ્યું હતું અને ઓગસ્ટ માસમાં 12618 દસ્તાવેજ નોંધાયા હતા. જેના પરિણામે ઓગસ્ટમાં સ્ટેમ્પ ડ્યૂટીની આવક પણ ઘટી છે. જુલાઇમાં રજિસ્ટ્રેશન ફીની આવક રૂ.12,37,73,130 થઇ હતી જે ઓગસ્ટમાં ઘટીને રૂ.11,79,56,406 થઇ હતી. તેવી જ રીતે જુલાઇમાં સ્ટેમ્પ ડ્યૂટીની આવક રૂ.76,15,07,551 થઇ હતી જે ઓગસ્ટમાં રૂ.71,56,28,297 થઇ હતી. સરકારને રાજકોટ જિલ્લામાં જુલાઇમાં રૂ.88,52,80,681ની આવક થઇ હતી જેની સામે ઓગસ્ટમાં રૂ.83,35,84,703ની આવક થઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *