ગુજરાતી ભવનના વડાને કટાક્ષમાં કવિતા લખવી ભારે પડી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ વિદ્યાનું ધામ છે પણ તે કોઈ ને કોઈ વિવાદોના કારણે ચર્ચામાં આવી જતી હોય છે. વાત સૌરાષ્ટ્રની કોઈ કોલેજ કે યુનિવર્સિટીની કે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કોઈ ને કોઈ ભૂમિકા ન હોય તેવું ભાગ્યે જ બને છે. ત્યારે આત્મીય યુનિવર્સિટીમાં ત્યાગ વલ્લભદાસે 33 કરોડની છેતરપિંડી આચર્યાના આરોપમાં હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગણિતશાસ્ત્ર ભવનના વડાનું નામ ખુલ્યા બાદ કટાક્ષનો મારો શરૂ થયો છે. આ કેસને લઈને ગુજરાતી ભવનના વડા મનોજ જોષીએ પોતાના મનની લાગણી કવિતા લખી વ્યક્ત કરી હતી. જો કે, આ બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવે તેમને 3 દિવસમાં ખુલાસો આપવા સાથેની નોટિસ ફટકારી છે.

નામનો ઉલ્લેખ કર્યા વિના ધારદાર કટાક્ષ કરતી કવિતા લખી
રાજકોટની આત્મીય કોલેજના ત્યાગ વલ્લભદાસ સ્વામી અને ટ્રસ્ટીઓ સહિત ચાર લોકો સામે થયેલી 33 કરોડથી વધુની છેતરપિંડી કેસમાં તપાસ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગણિતશાસ્ત્ર ભવનના વડાનું પણ નામ ખૂલતા તેઓએ આગોતરા જામીન અરજી કરી છે. આ ચકચારી પ્રકરણ ચર્ચામાં આવતાની સાથે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભવનના વડા મનોજ જોષીએ કોઈ જ સીધા નામનો ઉલ્લેખ કર્યા વિના ધારદાર કટાક્ષ કરતી કવિતા લખી છે જે વાઇરલ થતા હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કવિને નોટિસ પાઠવી ખુલાસો માગ્યો છે.

ગુજરાતી ભવનના વડાએ લખેલ કવિતા

રોજરોજ કૌભાંડ જ આવે,
બોલ ભાઈ ભજિયા શેં ભાવે
કોઈ ફસાયા કેસ મહીં તો કોઈ થયા સસ્પેન્ડ
થયા એટલા કાંડ કે જેનો આવે ના ધી એન્ડ
રાજ્યસભાના સભ્ય થયા નારાજ, કરી ફરિયાદ
ભેદભાવથી ભાગ પડાવ્યા એવો જાતિવાદ
સમીર એટલે હવા અને એ ઊડી ગયો પરદેસ
કોઈ નથી બાકી એમાંથી, સૌ પર ચાલે કેસ
ફક્ત નામનો, નથી કામનો ખૂબ કર્યું નુકસાન
કયા શુકનમાં ચાર્જ લીધો તે ચાલુ થઇ ગઈ પડતી
એની નબળી નીતિ અને પટલાઇ સૌને નડતી
બંધ કરાવી કોલેજો એ નાઘેડી કે ધારી
શિક્ષણની કરી દુર્દશા કરતો ભૂંડી કારી
સૌને નડતો, પગમાં પડતો પોતે એક પનોતી
હવે અમારી સંસ્થા ઉદ્ધારકની વાટુ જોતી
મીડિયા, જનતા, છાત્ર આપતા શાપ, શરમ ના આવે?
બધા મોરચે થયો વિફળ ને તો પણ ભજિયા ભાવે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *