રાજકોટ શહેરમાં ગતરોજ એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો. શહેરના યુનિવર્સિટી રોડ પર RMC ક્વાર્ટરમાં રહેતા યુવાને પોતાની માનસિક બીમાર માતાની સારવારથી કંટાળી જનેતાને જ ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી છે. જે બાદ પોતાના સોશિયલ મીડિયામાં ‘આઈએમ કિલ ટુ માય મોમ, લોસ માય લાઇફ, સોરી મોમ, ૐ શાંતિ, મિસ યુ મોમ’ લખી માફી માંગતી પોસ્ટ અપલોડ કરી છે. હત્યારા પુત્ર નિલેશ ગોસાઈએ બનાવ અંગે જાણ તેના મિત્રને કરી બાદમાં મિત્રએ પોલીસ કંટ્રોલને જાણ કરતા યુનિવર્સિટી પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધી આરોપી પુત્ર નીલેશની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર ભગતસિંહ ગાર્ડન પાસે આવેલા RMC ક્વાર્ટરમાં રહેતા જ્યોતિબેન ગોસાઈ (ઉં.વ.46)ની તેના જ પુત્ર નીલેશ ગોસાઇએ ગળે ટૂંપો આપી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. ગઇકાલે સવારના સમયે નિલેશએ તેના મિત્રને ફોન કરી માતાની હત્યા કર્યા અંગે જાણ કરી હતી. જે બાદ તેના મિત્રએ પોલીસ કંટ્રોલને જાણ કરતા યુનિવર્સિટી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં જ્યોતિબેન ગોસાઈનો મૃતદેહ પડ્યો હતો અને ઘરમાં નીલેશ પણ હાજર હતો.
પોલીસે 108ને બોલાવી તપાસ કરતા તબીબે મહિલાને મૃત જાહેર કરતા પોલીસે નીલેશની અટકાયત કરી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સમક્ષ આરોપી નીલેશ ગોસાઈએ કબૂલાત આપી હતી કે, તેને પોતાની માતાની હત્યા નિપજાવી દીધી છે. પોલીસે હત્યારા પુત્ર નિલેશની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, માતાને માનસિક બીમારીની સારવાર ચાલુ હતી. છેલ્લા એક મહિનાથી માતા દવા લેવાનું બંધ કરી દેતા માનસિક હાલત વધુ ખરાબ બની હતી. તે પોતે કારખાનામાં નોકરી કરતો હોવાથી તેનો પગાર રૂપિયા 20,000 છે. માતાની માનસિક બીમારી વધુ ખરાબ થતા કંટાળી ગયો હતો, માટે ઘરની અંદર જ માતાને પ્રથમ છરી વડે હુમલો કરી મારવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમાં સફળ ન થતા બ્લેન્કેટ વડે ગળે ટૂંપો આપી માતાની હત્યા નિપજાવી દીધી હતી. પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.