રાજકોટ શહેરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદને કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની છે. ત્યારે શહેરની RTO કચેરીમાં લોકો જ્યાં પોતાનું પાકું લાયસન્સ કઢાવવા માટે ટુ-વ્હીલર અને ફોર વ્હીલરની ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે જાય છે તે ટ્રેક ઉપર જ વૃક્ષો પડી જતાં RFID (રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટિફિકેશન) કેમેરાને નુકસાન પહોંચ્યું છે. સાથે જ પવનના કારણે કેમેરાના વાયર પણ ખેંચાઈ ચૂક્યા છે. જેને રિપેરિંગ કરવા માટે સમય લાગશે. જેથી શુક્રવારથી સોમવાર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે. જન્માષ્ટમીની રજાઓ બાદ વરસાદને કારણે છેલ્લા બે દિવસથી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ જ હતો અને હવે વૃક્ષો પડતા કેમેરા અને સેન્સરને નુકસાન પહોંચ્યું છે. જેથી રવિવારની રજાને બાદ કરતા આગામી ગુરુવારથી સોમવાર એમ 4 દિવસમાં 2,500 વાહન ચાલકોએ લીધેલી અપોઈન્ટમેન્ટ આગામી દિવસોમાં રી-શેડ્યુલ કરવા માટેની ફરજ પડી છે.
રાજકોટ RTO અધિકારી કેતન ખપેડે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાની મોટરીંગ પબ્લીકને જણાવવાનું કે આરટીઓ રાજકોટ ખાતે કાર્યરત ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક તા.29ના ગુરુવાર, 30ના શુક્રવાર અને 31 ઓગષ્ટના શનિવારે બંધ રહેશે. ઉપરાંત તા. 1 સપ્ટેમ્બરના રવિવારે રજા છે અને તા. 2 સપ્ટેમ્બરના સોમવારે પણ ટ્રેક બંધ રહેશે. એટલે કે, રજા સહિત 5 દિવસ ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનો ટ્રેક બંધ રહેવાનો છે. જ્યારે તા. 3 સપ્ટેમ્બરના મંગળવારે ટ્રેક પૂર્વવત શરૂ કરવામાં આવશે, તેવું જાહેર કરાયું છે. જોકે, તેને લીધે પાકું લાયસન્સ કઢાવવા માટે આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.