રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લામાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે ત્યારે રાજ્યભરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને ગંભીર અસર પહોંચી છે. ગઈકાલે વડોદરા, આણંદ, મુંબઈ અને ભુજ તરફ જતી 22 જેટલી ટ્રેનોને રદ કરવામાં આવી હતી ત્યારે વડોદરા ડિવિઝનના ઇટોલા બ્રિજ નંબર-561 અને દ્વારકા-ગોરિંજા સેક્શન પર વધુ પડતાં પાણી ભરાઇ જતાં વધુ ટ્રેનો રદ થઇ છે. 29 ઓગસ્ટના રોજ મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ તરફ આવતી ગુજરાત એક્સપ્રેસ તો 30 ઓગસ્ટના રોજ દાદરથી પોરબંદર તરફ જતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ રદ કરવામાં આવી છે.
ગઈકાલે ભારે વરસાદના કારણે 20થી વધુ ટ્રેનોને રદ કરવામાં આવી હતી જ્યારે અમુક ટ્રેનોને અન્ય રૂટ પર દોડાવવામાં આવી હતી. ભુજના માળિયા મિયાણા સેક્શનમાં પણ ભારે વરસાદના કારણે પાણી ભરાતાં ભુજ તરફ જતી ભુજ-ગાંધીનગર કેપિટલ, દાદર ભુજ એક્સપ્રેસ સહિતની ટ્રેનોને પણ રદ કરવામાં આવી હતી ત્યારે રેડ એલર્ટના કારણે આજરોજ વધુ ટ્રેનો રદ કરવામાં આવી હતી.