રાજકોટમાં છેલ્લા 40 વર્ષથી વધુ સમયથી જન્માષ્ટમીનો રંગેચંગે લોકમેળો યોજાય છે. જેમાં દરવર્ષે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી પાંચ દિવસ દરમિયાન 15 લાખ જેટલા લોકો ઉમટી પડે છે. જોકે, આ વખતે વરસાદને કારણે મેળો ધોવાઈ જતા વેપારીઓને કરોડોનું આર્થિક નુકસાન થતાં માથે ઓઢીને રોવાનો સમય આવ્યો છે. વેપારીઓ સહિતનાં 400થી વધુ મજૂરોની રોજીરોટી છીનવાઇ છે. સ્ટોલ ધારકોને તો ડિપોઝિટ સહિતના નાણા પરત મળ્યા, પરંતુ મજૂરોને એક રૂપિયો પણ ન મળતા તેમના પરિવારજનોમાં આર્થિક સંકટ ઊભું થયું છે. રાજકોટના લોકમેળામાં રાજસ્થાનથી તમામ 31 રાઇડસ આવી હતી તો અન્ય ખાણી-પીણી, રમકડા સહિતના સ્ટોલ ધારકો દિલ્હી અને રાજસ્થાનથી આવ્યા છે. વહિવટી તંત્રને 235 સ્ટોલ અને પ્લૉટ થકી અંદાજે રૂ. 3 કરોડની આવક થઈ, જે પરત આપવી પડશે. તો રૂપિયા 2 કરોડનો ખર્ચ રાજ્ય સરકાર ચૂકવશે.
રાજકોટનાં લોકમેળામાં રાઇડસ લઇને રાજસ્થાનથી આવતા ઇમરાન ખાને જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષથી આ લોકમેળામાં વેપાર કરવા માટે આવીએ છીએ. આ વખતે રાજસ્થાનથી 30 જેટલા ઝૂલા મંગાવવામાં આવ્યા હતા. જોકે, અમે બધા પરેશાન થઈ ગયા છીએ. દર વર્ષે અમારો અને મજૂરોનો ખર્ચ નીકળી જતો હતો. આ વખતે બધા માટે ભૂખમરાની પરિસ્થિતિ સર્જાઇ છે. દર વર્ષે 55 લાખ જેટલી આવક થઈ જતી હતી, પરંતુ આ વખતે કોઈ પણ પ્રકારનો ખર્ચ નીકળ્યો નથી. આ વખતે અમે બરબાદ થઈ ગયા છીએ. ધ્રોલનો મેળો કરીએ છીએ, એ પણ નથી થયો. હવે દશેરામાં દિલ્હી અને રાજસ્થાનના મેળા પર આશા છે.