શહેરના ઉપલાકાંઠા વિસ્તારના ચુનારાવાડમાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે ધમાલ થઇ હતી. બંને જૂથે એકબીજા પર હુમલો કરતાં છ લોકોને ઇજા થઇ હતી. પોલીસે બંને પક્ષના 10 શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
જૂના માર્કેટિંગ યાર્ડ પાસેની મનહર સોસાયટીમાં રહેતા મયૂર ઉર્ફે જયદીપ રણજિતભાઇ ડોડિયા (ઉ.વ.33)એ મારામારી અંગે થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ચુનારાવાડના વિજય વિનુ ગોહેલ, નિર્મળ વિનુ ગોહેલ, પરાગ વિજય બાવળિયા, સાહિલ ઉર્ફે વાંદરી સામત બાવળિયા અને સામત બાવળિયાના નામ આપ્યા હતા. મયૂર ડોડિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે ચુનારાવાડમાં કરિયાણાની દુકાન પાસે ઊભો હતો ત્યારે તેના પરિચિત ઉદય દિલીપભાઇ પરમારને વિજય સહિતના લોકો માર મારી રહ્યા હોય પોતે વચ્ચે પડતાં આરોપીઓએ મયૂર પર પાઇપથી હુમલો કર્યો હતો. મયૂરને બચાવવા દોડેલા તેના પરિચિત વનિતાબેન અને રમાબેનને પણ હુમલાખોરોએ માર માર્યો હતો.
સામાપક્ષે થોરાળામાં રહેતા હરજી ઉર્ફે નિર્મળ વિનુ ગોહેલે (ઉ.વ.32) વળતી ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે મયૂર ઉર્ફે જયદીપ ડોડિયા, રમાનો દીકરો ઢાલો, રમા, જેની રાયધન ચૌહાણ અને વિજય ઉર્ફે બાલી ઓડના નામ આપ્યા હતા. હરજીઅે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ચુનારાવાડમાં તેના ભાઇ વિજય થથાં પરાગ સાથે આરોપીઓ માથાકૂટ કરી રહ્યા હોય પોતે વચ્ચે પડતાં આરોપીઅોએ હરજીને લાકડાંનો ધોકો ફટકાર્યો હતો અને તેના માસી વર્ષાબેન પર પણ હુમલો કર્યો હતો. પોલીસે બંને પક્ષના દશ શખ્સ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.