રાજકોટ શહેર તથા જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદ તેમજ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે ધરોહર લોકમેળો આજથી રદ કરવામાં આવ્યો છે. મેળો રદ કરાતાં સ્ટોલધારકોએ ભરેલી રકમ તેમજ ડિપોઝિટની રકમ 100 ટકા પરત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી દ્વારા લોકહિતને ધ્યાનમાં રાખીને મેળો રદ કરવાનો આદેશ આપતાં રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા આજથી મેળો કેન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટમાં વર્ષો બાદ એવું પ્રથમ વખત બન્યું હશે કે, વરસાદને કારણે મેળો રદ કરવો પડ્યો હોય.
રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ તથા શહેર-1 પ્રાંત અધિકારી ચાંદની પરમારે જણાવ્યું હતું કે, રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે લોકમેળો 24થી 28 ઓગસ્ટ દરમિયાન યોજવામાં આવ્યો હતો. પરંતુ પ્રવર્તમાન સમયમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તેમજ હવામાન ખાતાની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ ભારે વરસાદ પડવાની ચેતવણી છે. આથી લોકોની સલામતીના હેતુસર આજે 27મી ઓગસ્ટથી ધરોહર લોકમેળો રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.