જન્માષ્ટમીમાં ફ્લાઈટના ભાડામાં 15% જેટલો વધારો

જન્માષ્ટમીનો તહેવાર શરૂ થતા જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓ હરવા ફરવા માટે દેશ વિદેશમાં જવા માટે રવાના થઈ ગયા છે. તેવામાં ઉત્સવોની સીઝન શરૂ થતા હવાઈ ભાડામાં વધારો જોવા મળ્યો છે. ટ્રાવેલ્સ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે સામાન્ય દિવસો કરતા તહેવારોની સિઝનમાં હવાઈ ભાડા 10 થી 15 ટકા વધારે હોય છે. આ વખતે દેશમાં અંદામાન, નિકોબાર તો વિદેશમાં થાઇલેન્ડ ઉપરાંત વિયતનામનો ક્રેઝ વધ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી ત્યાં જવા માટે આ વખતે જન્માષ્ટમીમાં 400થી વધુ બુકિંગ થયા છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી હાલ દૈનિક 9 સહિત 12 ફ્લાઈટ ઉડાન ભરે છે. આગામી વિન્ટર શેડ્યુલમાં 16 જેટલી ફ્લાઈટ ઉડાન ભરવાની છે. તેવામાં રેગ્યુલર દિવસોમાં હવાઈ મુસાફરોને ભાવમાં થોડો ફાયદો થાય છે. પરંતુ સિઝન દરમિયાન ભાવ વધારાનો સામનો કરવો પડે છે. જેથી આગામી 6 માસ સુધી તહેવારોની સિઝન દરમિયાન જે લોકો હરવા ફરવા જવા માગતા હોય તેઓને અત્યારથી જ એડવાન્સ બુકિંગ કરી દેવા જરૂરી માનવામાં આવી રહ્યું છે.

રાજકોટના ટ્રાવેલ્સ એસોસિએશનના ગોપાલ ઉનડકટે જણાવ્યું હતું કે, જન્માષ્ટમીનો તહેવાર એ સૌરાષ્ટ્રનો સૌથી મોટો તહેવાર ગણાય છે. જેથી આ દિવસોમાં લોકો અલગ અલગ ટુરિસ્ટ પ્લેસ ઉપર ફરવા માટે જતા હોય છે. ડોમેસ્ટિકના પેકેજ વધ્યા છે. ઉદયપુરમાં રમખાણને કારણે ત્યાંના અનેક બુકિંગ કેન્સલ થયા છે. જો કે વધુ પડતો ક્રેઝ અંદામાન, નિકોબારનો જોવા મળી રહ્યો છે. રાજકોટથી અંદામાન, નિકોબાર જવા માટે 450થી વધુ મુસાફરોના બુકિંગ થયા છે. જે વધવાનું કારણ એ છે કે, ત્યાં 6 રાત્રિ અને 7 દિવસના પેકેજ છે અને સૌરાષ્ટ્ર શનિવારથી શનિવાર મોટાભાગે બંધ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *