કુવાડવા તરફથી પંજાબ પાસીંગનો એક આઇસર ટ્રક આવે છે અને તેમાં લાકડાની સીટોના જથ્થા પાછળ દારૂ છુપાવેલો છે એવી બાતમી મળી હતી. આ બાતમી મળતાં પીબી.07.સીઇ.3855 નંબરની ટ્રક નીકળતાં પોલીસે ઉભી રાખવા ઇશારો કરતાં ચાલકે ભગાવી મુકતાં પોલીસની ટીમે પાંચેક કિલોમીટર પીછો કર્યો હતો. એ દરમિયાન મઘરવાડા નજીક ટ્રક દેખાતી બંધ થઇ ગઇ હતી ત્યારે ગામની મહિલાઓએ એક ટ્રક સ્મશાનના રસ્તે ગયાનું કહેતાં પોલીસ ત્યાં પહોંચતા ટ્રક રેઢી મળી આવી હતી અને ચાલક ભાગી ગયો હતો. પોલીસે ટ્રકમાં જોતાં અલગ-અલગ બાચકાઓમાં લાકડાની સીટો-પટ્ટીઓ ભરેલી જોવા મળી હતી. આવા 60 બાચકા દૂર હટાવતાં પાછળના ભાગેથી અલગ-અલગ બ્રાન્ડની વ્હીસ્કીની 750 મીલીની બોટલો તેમજ 180 એમએલના ચપલાઓની પેટીઓનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ.27,01,600નો મુદ્દામાલ કબ્જે કરી ભાગી ગયેલા ચાલકની શોધખોળ હાથ ધરી છે. પંજાબ પાસીંગનો આ ટ્રક લઇને કોણ આવ્યું? કોણે કયાંથી દારૂનો જથ્થો મોકલ્યો? તે સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે.