રાજકોટની ગાંધી સ્મૃતિ સોસાયટીમાં રહેતા સંજયભાઇ મનસુખભાઇ ઉંધાડ (ઉ.વ.37)એ પોતાના ઘરે છતના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો ઘરે આવતા યુવાનનને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદમાં કોઇએ 108માં જાણ કરતા 108ની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બનાવ અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસ સ્ટાફે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક સંજયભાઇ માર્કેટીંગ યાર્ડમાં શાકભાજીનો વેપાર કરતા હતા. તેણે કેન્સરની બીમારીથી કંટાળી આ પગલું ભર્યુ હોવાનું પ્રાથમિક તપાસમા જાણવા મળ્યું છે. એક પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.