ગોવિંદભાઈ અમરશીભાઈ સુરેલા (ઉં.વ.54) રાજકોટ મનપાની ડમ્પિંગ સાઈટનો ટ્રક ચલાવતા હતાં ત્યારે આજે સવારે 10:30 વાગ્યા આસપાસ શિતલ પાર્ક નજીક આવેલા કચરાના યુનિટ ખાતેથી ટ્રકમાં કચરો ભરી ડમ્પિંગ સાઇટ ખાતે ઠલવવા જતા હતા. ત્યારે અચાનક હાર્ટ એટેક આવતા ચાલુ ટ્રકે બેભાન થઈ જતા ટ્રક રોડની સાઈડમાં આવેલા એક કમ્પાઉન્ડ વોલ સાથે અથડાયો હતો. બેભાન હાલતમાં ગોવિંદભાઇને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હોસ્પિટલના તબીબ દ્વારા તેને તપાસી મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ગોવિંદભાઇ અગાઉ સંતકબીર રોડ પર રહેતા હતા. હાલ મોરબી રોડ, વેલનાથપરા સામેના વિસ્તારમાં રહે છે. બનાવ અંગે જાણ થતા પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક તારણમાં હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું હતું.