કોઠી કમ્પાઉન્ડમાં આવેલી આસિસ્ટન્ટ લેબર કમિશનર કચેરીના ડિવિઝન ક્લાર્ક ચોક્કસ સંખ્યાથી વધુ કામદારોને નોકરી ઉપર રાખવા માટેના લાઇસન્સ આપવા માટે રૂ.7,500ની લાંચ લેતા ઝડપાયા હતા. જે લાંચ કેસમાં અદાલતે આરોપી ડિવિઝન ક્લાર્કને ચાર વર્ષની સજા અને રૂ.બે હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.
રાજકોટમાં ભવાની એનર્જી સોલ્યુશન વતી ચોક્કસ સંખ્યાથી વધુ કામદારોને નોકરી પર રાખવા માટે ફરિયાદી જય મિલનભાઈ ત્રિવેદીએ કોઠી કમ્પાઉન્ડમાં આવેલ આસિસ્ટન્ટ લેબર કમિશનર કચેરીમાં અરજી કરી હતી. આ અરજી અંગે પૂછપરછ કરતાં આસિસ્ટન્ટ લેબર કમિશનર કચેરીના ડિવિઝનલ ક્લાર્ક હીરાલાલ વાલજીભાઈ ચાવડાએ તેમના ઉપરી અધિકારી લેબર કમિશનર વતી રૂ.5000 પોતાના માટે 2000 અને પટાવાળા માટે રૂ.500ની લાંચ માગી હતી. જે લાંચની રકમ સ્વીકારતા ડિવિઝનલ ક્લાર્કને એસીબીની ટીમે રંગે હાથ ઝડપી લીધા હતાં. જેમાં ડિવિઝનલ ક્લાર્ક હીરાલાલ ચાવડા અને પટાવાળા મોહનભાઈ કટારિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જે કેસમાં બન્ને પક્ષની રજૂઆત બાદ સરકારી વકીલ દ્વારા કરાયેલી રજૂઆતો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ પ્રિન્સિપાલ સેશન્સ જજ વી.વી.ગોહિલે લાંચ કેસમાં ડિવિઝનલ ક્લાર્ક હીરાલાલ ચાવડાને ચાર વર્ષની સજા અને રૂ.2000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.