રાજકોટ શહેરના મવડી રેવન્યૂ સર્વે નંબર 99માં આવેલા પ્લોટ પર માખાવડના માતા-પુત્રોએ ગેરકાયદે કબજો કરી અહીં મકાન બનાવી ભાડે પણ આપી દીધું હતું. જ્યારે પ્લોટ માલિક મહિલા અને તેના પરિવારે અહીંથી કબજો ખાલી કરવાનું કહેતા એટ્રોસિટીની ફરિયાદ કરીશું તેવી ધમકી આપી હતી. જેથી અંતે આ બાબતે કલેક્ટર કચેરીમાં અરજી કર્યા બાદ માલવિયાનગર પોલીસે ગુનો નોંધ્યો છે.
રાજકોટના ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર શેરી નંબર-14 માં રહેતા મોતીબેન માંડાભાઈ ચિરોડિયા (ઉ.વ.50) નામના મહિલાએ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે લોધિકાના માખાવડ ગામે રહેતા નંદુબેન દાનાભાઈ સોમૈયા અને તેના બે પુત્ર કિશન અને રવિના નામ આપ્યા છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2014માં મવડી રેવન્યુ સર્વે નંબર 99 તથા 100 પૈકી બિનખેડવાણ ઇમારત બાંધવાની મંજૂરીવાળી જમીનના પ્લોટ પૈકી પ્લોટ નંબર 46 તેમણે કિસાન કોરાટ, અરવિંદ ચૌહાણ અને જયંતી લીલાની સંયુક્ત માલકીનો આ પ્લોટ ખરીદ્યો હતો અને તેનો વેચાણ દસ્તાવેજ પણ તેના નામે કરાવ્યો હતો.