TRP અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી, 17 પીડિત પરિવારો ન જોડાયા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ક્રાંતિ દિવસ, એટલે કે 9 ઓગસ્ટને શુક્રવારના રોજ મોરબીથી શરૂ કરવામાં આવેલ ન્યાયયાત્રાનો આજે ચોથો દિવસ છે. આ યાત્રા હાલ રાજકોટમાં છે. આજે ન્યાયયાત્રા કાલાવડ રોડ પર સયાજી હોટલ પાસે આવેલા TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોનાં મોત થયાં હતાં ત્યાં ઘટનાસ્થળે પહોંચી હતી. અહીં કોંગ્રેસના નેતાઓએ ધોળા દિવસે કેન્ડલ માર્ચ યોજી, જ્યાં 27 લોકોનાં મોત થયાં હતાં ત્યાં મીણબત્તી જમીન પર રાખી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં 17 જેટલા પરિવારો જોડાયા નહોતા. શ્રદ્ધાંજલિ કાર્યક્રમ બાદ કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, આટઆટલી ઘટનાઓ બાદ રાજ્ય સરકાર કેમ જડ બની ગઈ છે એ સમજાતું નથી. આજે ન્યાયયાત્રા રાજકોટથી બેટી ગામ પહોંચશે અને ત્યાંથી કુવાડવા ગામ પહોંચશે.

TRP અગ્નિકાંડના ઘટનાસ્થળેથી આ ન્યાયયાત્રા રાજકોટના નાગર બોર્ડિંગ ખાતે પહોંચી હતી. અહીં રાષ્ટ્રગાન કરવામા આવ્યું હતું. રાજકોટના વિરાણી ગ્રાઉન્ડ ખાતે આવેલા નાગર બોર્ડિંગના મેદાન ખાતેથી રાષ્ટ્રધ્વજ હાથમાં રાખી કોંગ્રેસના લાલજી દેસાઈ, પાલ આંબલિયા સહિતનાએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. ત્યારે તેમની સાથે સ્થાનિક કોંગ્રેસના શહેર પ્રમુખ અતુલ રાજાણી, મનપાના વિરોધપક્ષના નેતા વશરામ સાગઠિયા તેમજ ગાયત્રીબા વાઘેલા સહિતનાં જોડાયાં હતાં. આ ન્યાયયાત્રા રાજકોટનાં રસ્તાઓ પર ફરી ચોટીલા જવા રવાના થઈ છે, હવે ચોટીલા બાદ સુરેન્દ્રનગર, વિરમગામ, સાણંદ, અમદાવાદ અને છેલ્લે ગાંધીનગર પહોંચશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *