રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની પરબડી ગામે 9 માસ પૂર્વેની મર્ડર મિસ્ટ્રીનો પોલીસે ભેદ ઉકેલી હત્યારા પતિ અને તેના ભાઈની ધરપકડ કરી છે. રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે હત્યામાં પકડાયેલા બંને ભાઈના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે હત્યારા ભાઈઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મૃતકને સંતાનમાં એક સાત વર્ષનો પુત્ર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પુત્ર વારંવાર પૂછતો કે મા ક્યાં છે? તો હત્યારો પિતા ખોટું બોલી કહેતો કે દિલ્હી તારી માસીના ઘરે છે. બન્ને ભાઈએ હત્યા કરી લાશ કારખાનામાં દાટી યુપી જતા રહ્યા હતા.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ કંકાલ મહિલાનું હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ રાજકોટ ગ્રામ્ય LCBએ શકમંદને ઉઠાવી પૂછપરછ કરતાં મહિલાની હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ હત્યા બીજા કોઈએ નહીં, પણ તેના જ પતિ દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં માનવકંકાલ તથા ખોપરી નાની પરબડી ગામે સાંકળી રોડ પર આવેલા કારખાનામાં અગાઉ નોકરી કરતા વિપિન યાદવની પત્ની રેશમાદેવી ઉર્ફે સાયરા ઉર્ફે શાંતિ યાદવની હોવાનું સામે આવ્યું હતું. વિપિન યાદવે ઘરકંકાસથી કંટાળી તેના ભાઈ સૌરભ સિંહ સાથે મળી હત્યા નીપજાવી લાશ દાટી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે હાલ બન્ને આરોપીની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.