ગોંડલ માર્કેટયાર્ડ પાછળ અનેક સોસાયટી આવેલી છે જેમાં શિવમ રેસિડેન્સીમાં આજે પાંચ મકાનમાં ચોરીના બનાવ બન્યા હતા. બ્લોક નં 140, 145, 240, 245 ઉપરાંત અન્ય એક બ્લોકમાં તસ્કર ત્રાટક્યા હતા તેમજ રોકડ તેમજ સોનાના દાગીનાની ચોરી થઇ હતી. જ્યારે એક મકાનમાં તસ્કરોને ફોગટ ફેરો થયો હતો. દર્શનગીરીના મકાનમાંથી 12 હજાર રોકડા અને દાગીના ચોરાયા છે જ્યારે મોહિતભાઇના મકાનમાંથી પણ રોકડ તેમજ દાગીનાની ચોરી થઇ છે. આ જ રેસિડેન્સીમાં અગાઉ એક જ રાતમાં 15 મકાનમાં ચોરીની ઘટના બની હતી અને આ સોસાયટીને અડીને આવેલી શ્રીજી સોસાયટીમાં મહિના પહેલા પાંચ મકાન તસ્કરોના નિશાને ચડ્યા હતાં. એક મકાનની તિજોરીમાં સામાન વેરવિખેર કરવા છતાં કશો ધનલાભ ન થતાં ચોરોને નાસવું પડ્યું.