રવિવારે રાજકોટમાં નીટ પીજીની પરીક્ષા લેવાઇ હતી. અંદાજિત 1400 વિદ્યાર્થીએ આ પરીક્ષા આપી હતી. શાંતિપૂર્વક માહોલમાં પરીક્ષા પૂર્ણ થતા વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓને પણ હાશકારો થયો હતો. મેટોડા ખાતે ફાળવેલા કેન્દ્રમાં બે શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા દરમિયાન ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને સમગ્ર પરીક્ષાનું સીસીટીવી કેમેરાથી પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નીટ પેપર લીક કૌભાંડને કારણે અા પરીક્ષા માટે વિદ્યાર્થી અને વાલીઓ બન્નેમાં ચિંતા હતી.
જોકે પહેલાં જુલાઇ મહિનામાં પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.રાજકોટ શહેર સહિત દેશના 185 શહેરમાં આ પરીક્ષા લેવામાં આવી હતી. આ વખતે પરીક્ષાના નિયમમાં પણ બદલાવ કરવામાં આવ્યો હતો.તેમજ વિદ્યાર્થીઓને આ વખતે શિફ્ટ નક્કી કરવા માટે મંજૂરી આપવામાં આવી નહોતી. કુલ બે શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ સમયસર પહોંચી ગયા હતા.પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ, સ્માર્ટ વોચ કે કિંમતી સામાન, દાગીના લઇ જવા પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો હતો.