એક તરફ આવતીકાલથી (9 ઓગસ્ટ) વિપક્ષ દ્વારા ગુજરાતની દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય મળે એ માટે મોરબીથી કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં અવશે. તો બીજી તરફ સરકાર દ્વારા શનિવારથી (10 ઓગસ્ટ) રાજ્યભરમાં તિરંગાયાત્રા શરૂ કરવામાં આવશે, જેમાં કોંગ્રેસની ન્યાયયાત્રા આવતીકાલે મોરબીના દરબાર ગઢથી શરૂ થશે, જે વિવિધ શહેરથી પસાર થઈને 23 ઓગસ્ટના રોજ ગાંધીનગરમાં પૂર્ણ થશે. તો સરકારની તિરંગાયાત્રાની શરૂઆત સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટથી કરવામાં આવશે. આ તિરંગાયાત્રામાં કેન્દ્રીય આરોગ્યમંત્રી અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ જે. પી. નડ્ડા પણ ઉપસ્થિત રહેશે. રેસકોર્સના બહુમાળી ભવન ચોકથી આ યાત્રા શરૂ કરી જ્યુબેલી ચોક ખાતે ગાંધીજીની પ્રતિમાં સુધી દોઢ કિલોમીટરની આ યાત્રાનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે. આ માટે તંત્ર દ્વારા તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ડી. પી. દેસાઈએ જણાવ્યું હતું કે આગામી 15 ઓગસ્ટ, એટલે કે સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાની શરૂઆત રાજ્યમાં સૌપ્રથમ રાજકોટથી કરવામાં આવશે. આ યાત્રાનું પ્રસ્થાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ જે. પી. નડ્ડાની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. આ યાત્રાનો રૂટ રેસકોર્સ બહુમાળી ભવન ચોક ખાતેથી શરૂ કરી ગાંધીજીની પ્રતિમા જયુબેલી ગાર્ડન સુધી દોઢ કિલોમીટરનો રહેશે. આ યાત્રાના આખા રૂટ પર દર 150 ફૂટના અંતરે સ્ટેજ તૈયાર કરી દેશભક્તિનાં ગીતો તેમજ ડાન્સ સહિતનાં પર્ફોર્મન્સ કરવામાં આવશે.