રાજકોટ મહાનગરપાલિકાના મેયર દ્વારા તમામ વોર્ડમાં લોકદરબાર યોજી ‘મેયર આપને દ્વાર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં વોર્ડ નં. 15માં આજે મેયર પહોંચ્યા હતા. જ્યાં સ્થાનિકો દ્વારા ગંભીર આક્ષેપ સાથે રજૂઆત કરવામાં આવી હતી કે છેલ્લા ત્રણ મહિનાથી અમારા ખોડિયાર નગર વિસ્તારમાં નળ ખોલીએ તો તેમાંથી પાણીના બદલે દેશી દારૂનો આથો નીકળે છે. પાણી પીવાનું, વાપરવાનું કે નાહવા માટે ઉપયોગમાં પણ લઇ શકાતું નથી. કપડાં ધોવામાં પણ આ પાણીનો ઉપયોગ ન થઈ શકે તેવું દુર્ગંધ યુક્ત પાણી આવે છે. અનેક રજૂઆત અને ફરિયાદ કરી છતાં કોઈ ઉકેલ આવતો નથી. નજીકના વિસ્તારોમાં દારૂ પણ વેચાય છે અને તેના કારણે આ પાઈપ લાઈન અલગ કરવા માગ કરી છે.
સ્થાનિક વનરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 15માં ખોડિયાર નગરમાં રહું છું. અહીં નળ ખોલો એટલે કાયમ દારૂનો આથો આવે છે. નાહવાનું કે કપડાં ધોવાનું મન થતું નથી. ત્રણ મહિનાથી મેં રજૂઆત કરી છે છતાં કોઈ પાઈપલાઈન નાખવામાં આવતું નથી. માત્ર ખાડા ખોડી અને ચાલ્યા જાય છે અને ત્યાર બાદ ખાડા બુરી દેવામાં આવે છે. તેની દીકરીઓને શંકર ભગવાન કે ખોડીયાર માતાજીના મંદિરે જવું હોય તો ખૂબ જ મુશ્કેલી પડે છે. અમારા વિસ્તારમાં આડેધડ દારૂ વેચાય છે. જેથી નાહવા-ધોવા માટે બહારથી વેચાતું પાણી મંગાવવું પડે છે.