શહેરના બજરંગવાડી વિસ્તારમાં સોમવારે રાત્રીના જેલના બે સિપાહી સહિત ચાર શખ્સ ચિક્કાર નશો કરેલી હાલતમાં મળી આવ્યા હતા. શહેરમાં દારૂબંધીની કડક અમલવારી કરવામાં આવતી હોવાના પોલીસ અધિકારીઓના દાવાને જેલ સિપાહીઓએ ખોટો સાબિત કર્યો હતો. બજરંગવાડીના ભવાની પાર્ક નજીક ચાર શખ્સ લથડિયા ખાઇ રહ્યા છે. બકવાસ કરી રહ્યા છે. નશો કરેલી હાલતમાં હોવા અંગેની કોઇએ જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસની ટીમ દોડી ગઇ હતી.
પોલીસ પહોંચી ત્યારે ભગવતી પ્રોવિઝન સ્ટોર નામની દુકાન પાસેથી રેલનગરના અમૃત પાર્કમાં રહેતો ગિરિરાજદાન અશોકદાન ઇસરાણી (ઉ.વ.34), આસોપાલવ પાર્કનો દુષ્યંત અણદુભા જેસલ (ઉ.વ.33), ગાંધીગ્રામના શીતલપાર્કનો ભાવિક રાજેશ ચાવડા (ઉ.વ.27) તથા સેન્ટ્રલ જેલના ક્વાર્ટર્સમાં રહેતા મહેશ કેશા કાલિયા (ઉ.વ.34) મળી આવ્યા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ચાર પૈકીનો મહેશ કાલિયા અને ગિરિરાજદાન ઇસરાણી બંને રાજકોટ સેન્ટ્રલ જેલમાં સિપાહી તરીકે ફરજ બજાવે છે. જેલ સિપાહી સહિત ચારેય શખ્સ દારૂ ક્યાંથી લઇ આવ્યા હતા.