છેલ્લા એકાદ સપ્તાહથી શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 2298 કેસ નોંધાયા હતા. જેમાં શરદી-ઊધરસનાં ગત સપ્તાહનાં 1106 કેસ સામે આ સપ્તાહે 1203 કેસ, ઝાડા-ઊલટીનાં 452 સામે 517 કેસ અને સામાન્ય તાવનાં પણ 515 સામે 566 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુનાં 5 કેસ નોંધાયા હતા. એટલું જ નહીં ટાઈફોડ તાવનાં 6 દર્દીઓ તેમજ 1 કેસ મેલેરિયાનો સામે આવતા ફોગિંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી છે.
આરોગ્ય અધિકારી ડો. જયેશ વાકાણીનાં જણાવ્યા મુજબ, હાલ શહેરમાં ચાંદીપુરા વાઇરસના કોઈપણ કેસ સામે આવ્યા નથી. જોકે, આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આ વાઇરસના શંકાસ્પદ કેસો સામે આવ્યા છે. જેને લઈ મનપાનો આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં છે અને સતત નજર રાખવામાં આવી રહી છે. તેમજ શહેરના આરોગ્ય કેન્દ્રોમાં પણ જરૂરી દવાઓનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. ત્યારે લોકોએ આ રોગથી ડરવાની નહીં પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે. આ સિવાય ભેજવાળું વાતાવરણ હોવાને કારણે હાલ વાઇરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો નોંધાયો છે. ત્યારે લોકોએ બહારનો ખોરાક લેવાથી દૂર રહેવાની સાથે ગરમ પાણીનું સેવન કરવું જોઈએ. સામાન્ય સૂકી ઉધરસ માટે હળદરનો ઉપયોગ કરવો એ હિતાવહ છે.