કોઠારિયા કોલોનીમાં ભાજપ આગેવાનના ગેરકાયદે બાંધકામમાં નવો ફણગો

રાજકોટ શહેરની કોઠારિયા કોલોનીમાં પાંચ માળની ગેરકાયદે શાળા ઊભી થઈ ગઈ છે. ભાજપની શિક્ષણ સમિતિના સભ્ય જયદીપ જલુના માતા અને બહેન આ શાળાના સંચાલિકા છે. આ શાળાને લઈને શહેરી વિકાસ વિભાગમાંથી કાર્યવાહી કરવાના આદેશ થવા છતાં ડિમોલિશન ન થાય તેની યુક્તિ પૂર્વ ઈન્ચાર્જ ટીપીઓ મનસુખ સાગઠિયાએ આપી હતી. રાજકોટ શહેરમાં જેટલા પણ ગેરકાયદે બાંધકામો છે તેના પર કાર્યવાહી કરવાની જવાબદારી ટી.પી. શાખાની છે. જો કે મનસુખ સાગઠિયાના કાર્યકાળમાં ગેરકાયદે બાંધકામની નોટિસ આપવા કરતા ગેરકાયદે બાંધકામોને કેવી રીતે બચાવવા તેના પર જ કામ કર્યું છે.

કોઠારિયા કોલોનીમાં ક્વાર્ટર નંબર 280ની જગ્યા કે જે રહેણાક હેતુની છે તેમાં પાંચ માળની શાળા ખડકી દીધી તેમજ આસપાસનો કોમન પ્લોટ અને શેરી પર દબાણ કરી નાખ્યું હતું. આ મામલે તપાસ કરતા બહાર આવ્યું છે કે રહેણાક હેતુમાં પ્લોટની સાઈઝ મુજબ 3 માળ એટલે કે વધુમાં વધુ 9 મીટર બની શકે તેનાથી વધારે ઊંચાઈ હોય તો એફએસઆઈ અને જીડીસીઆરના નિયમો લાગુ પડે. જો કે તેમાં પણ ગોબાચારી કરીને પાંચ માળ ખડકી દેવાયા હતા.

જો જગ્યા કાયદેસર હોય તો પણ માર્જિન વગર આટલુ બાંધકામ ન થઈ શકે ડિમોલિશન થાય. પણ, અહીં ડિમોલિશન અટકાવવાની જવાબદારી મનસુખ સાગઠિયાએ લીધી હતી. બાંધકામ પૂર્ણ થઈ ગયા સુધી કોઇ કાર્યવાહી ન કરી અને બાદમાં જ્યારે કામ પૂર્ણ થઈ ગયું એટલે ભાજપના આગેવાનને ઈમ્પેક્ટ ફીમાં રેગ્યુલરાઈઝ કરવા માટે અરજી કરવાનું કહી દીધું હતું.ઈમ્પેક્ટ ફી માટે કોઇપણ અરજી કરે એટલે તેને સાગઠિયા પેન્ડિંગ રાખી દેતા હતા. જ્યાં સુધી અરજીનો નિકાલ ન થાય ત્યાં સુધી કોઇ કાર્યવાહી કરવાની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *