મધ્યપ્રદેશના મુરેનાના લેપા ભીસોડા ગામમાં શુક્રવારે સવારે એક જ પરિવારના છ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે ગામના બે પરિવારો વચ્ચે છેલ્લા 10 વર્ષથી જમીન મામલે વિવાદ ચાલી રહ્યો હતો. જેના કારણે શુક્રવારે એક પરિવારે બીજા પરિવાર પર ગોળીબાર કર્યો હતો. હુમલામાં એક જ પરિવારના 3 પુરૂષો અને 3 મહિલાના મોત થયા છે. 3 લોકો ઘાયલ થયા હતા. રવિન્દ્ર સિંહ આ ગામના કોંગ્રેસના ધારાસભ્ય છે.
મોરેનામાં થયેલા હત્યાકાંડનો વીડિયો સામે આવ્યો છે. જેમાં હુમલાખોરો લોકોને લાકડીઓ વડે માર મારી રહ્યા છે. કેટલાક લોકો બંદૂક અને લાકડીઓ લઈને રસ્તા પર ઉભા છે. આ દરમિયાન એક યુવક આવે છે અને એક પછી એક પાંચ લોકોને ગોળી મારી દે છે.
ગોળી વાગતાં ત્રણ પુરૂષ અને બે મહિલાઓ જમીન પર ઢળી પડ્યા હતા. ઘટનાસ્થળે બાળકો પણ હતા, જેમને એક મહિલાએ બુમ પાડીને ઘરની અંદર બોલાવી લીધા હતા. વીડિયોમાં આ મહિલાનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે. ઘટના બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.