રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનામાં જુગાર રમાતો હોય છે. જેને લઈને હાલ જુગારની મોસમ ખીલી હોય એવું લાગી રહ્યું છે અને શ્રાવણ મહિનો શરૂ થવાને એક દિવસ બાકી છે ત્યારે પોલીસ અત્યારથી સતર્ક બની છે. રાજકોટ શહેરના અલગ-અલગ વિસ્તારમાં પોલીસે જુગારીઓ પર ધોંસ બોલાવી હતી. જેમાં ચાર સ્થળે બે મકાન અને જાહેરમાં તીનપતીનો જુગાર રમતી 8 મહિલા સહિત 26 શખસોને ઝડપી પાડ્યા હતાં અને જુદા-જુદા સ્થળેથી મળીને કુલ રૂ. 1.13 લાખની રોકડ કબ્જે લઈ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત મુજબ મવડી એંસી ફુટ રોડ પર આવેલા પ્રમુખ એકઝોટીકા એપાર્ટમેન્ટના ફલેટમાં મહિલા સંચાલિત જુગારધામ ચાલતુ હોવાની તાલુકા પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પ્રમુખ એકઝીટીકા વીંગ એ.-1 બ્લોક નં. 401માં દરોડો પાડી તીનપતીનો જૂગાર રમતા ફલેટ માલિક હિનાબેન કાસોદરીયા તથા આ એપાર્ટમેન્ટમાં રહેતા રસીલાબેન કિશોરભાઇ કાલરીયા, રીમ્પલબેન વિપરીલભાઇ સંતોકી, રોશનીબેન સાગરભાઇ ભેંસદડીયા, દેનીશાબેન ચેતનભાઇ રાછડીયા અને અરૂણાબેન હિતેશભાઇ વિરમગામાને પકડી લઇ રૂા. 18,400ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.