જૂનાગઢ દલિત સમાજના આગેવાનના પુત્રને નગ્ન કરવાના ગુનામાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજા જેલમાં છે ત્યારે ગણેશ જાડેજા સામે ફરિયાદ કરતા અને આંદોલન કરતા રાજુ સોલંકી સહિત 5 સામે પોલીસે ગુજસીટોકનો ગુનો દાખલ કરતાં આજે રાજુ સોલંકી સહીતના 4ને આજે રાજકોટ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં ચારેય આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા.
આ તકે આરોપી રાજુ સોલંકીના વકીલ દિનેશ પાતરે મીડિયાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, રાજુ સોલંકી સહિત ચાર લોકોના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામા આવ્યા છે. એટ્લે કે તા. 7 ઓગસ્ટના સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. ત્યાર બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પાંચમો આરોપી હાલ અન્ય ગુનામાં જેલમાં છે. વધુમાં જણાવ્યું હતું કે, રાજુ સોલંકી સહિતના લોકો 15 ઓગસ્ટે અર્ધ નગ્ન થઈને રેલી કાઢી ધર્મ પરિવર્તન કરવાના હતા. તે પહેલાં ગુજસીટોકના ગુનામાં રાજુ સોલંકી સહીતની ધરપકડ કરવામાં આવી છે.