વર્ષ 2021માં કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવાયેલ ‘વન નેશન વન ટેક્ષ’ યોજના હેઠળ ટ્રાવેલ્સ સંચાલકોને ઓલ ઈન્ડિયા ટુરિસ્ટ પરમીટ એક જ રાજયમાંથી મળે તેવી જોગવાઈ છે. પરંતુ ગુજરાતમાં કેન્દ્રની આ યોજનાનો અમલ જ થતો ન હોય આ યોજનાની અમલવારી કરાવવા અંગે આજરોજ રાજકોટ ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટર રાજકોટને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરતા જણાવાયું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા બસ ઓપરેટરને વર્ષ 2021માં વન નેશન વન ટેક્ષ હેઠળ (એઆઈટીપી)નો લાભ આપવામાં આવેલ. જેથી અમારા વ્યવસાયને ખુબજ પ્રોત્સાહન મળેલ છે. જેનો ખુબજ મોટો લાભ ઓપરેટર તેમજ પેસેન્જરને મળેલ છે.જોકે હાલ ગુજરાતમાં આરટીઓ અધિકારી દ્વારા (એઆઈટીપી) વેલીડ નથી ગણતા અને બસો ડીટેઈન કરી ગુજરાત રાજયનો અલગથી ટેક્ષ ભરાવે છે જે સરકારના નિયમ વિરૂધ્ધનું કામ છે. (એઆઈટીપી) અન્ય રાજયામાં ચાલે છે તો ગુજરાત રાજયમાં આરટીઓ અધિકારી દ્વારા શા માટે અમલ કરવામાં આવતો નથી સરકાર (એઆઈટીપી) (વન નેશન વન ટેક્ષ) જે લઈ આવ્યા છે તે ખુબજ સરાહનીય નિર્ણય છે. જેનાથી ટુરીસ્ટને ખુબજ ફાયદો થાય છે. બીજા રાજયમાં જવા માટે સરળતા રહે છે અને પ્રવાસનને વેગ મળે છે. તો આ બાબતે યોગ્ય તપાસ કરી ખાનગી બસોને ડીટેઈન કરતી અટકાવવી જરૂરી છે.