કેદારનાથ ગયેલા રાજકોટના સાત યુવાનો ગુમ થયાની જિલ્લા વહીવટીતંત્રને જાણ કરાયા બાદ તેઓએ માત્ર બે કલાકમાં ગુમ થયેલા સાતેય યુવાનોની ભાળ મેળવી તેમના પરિવારજનોને તેઓ હેમખેમ હોવાનો સંદેશો પાઠવ્યો હતો. રાજકોટ અધિક જિલ્લા કલેકટર ચેતન ગાંધીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલમાં શુક્રવારે બપોરે 2.33 વાગ્યે હાર્દિકભાઇ ભટ્ટી નામના એક વ્યક્તિનો ફોન આવ્યો હતો કે અમારા સગા જામકંડોરણાના પારસભાઇ ડોંગા તેમના મિત્રો સાથે કેદારનાથ ફરવા ગયા છે અને તા.31-7ના સાંજે 7 વાગ્યા બાદ તેમનો સંપર્ક થતો નથી.
કેદારનાથમાં ભારે વરસાદને કારણે તબાહીના સમાચારથી પરિવારજનો ચિંતિત છે. જેના પગલે ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને જાણ કરી હતી. ત્યારબાદ બપોરે 4.38 વાગ્યા આસપાસ સાતેય ગુમ થયેલા યુવાનોનો સંપર્ક થઇ જતા ઉત્તરાખંડ સરકારે સેટેલાઇટ ફોન મારફત આ યુવાનોની ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે વાત કરાવી હતી અને તેઓ હેમખેમ હોવાના સમાચાર સાંપડ્યા હતા.
આ સાતેય યુવાનો મંદિર પાસે જ એનડીઆરએફના કેમ્પમાં હતા અને મોબાઇલની બેટરી ઉતરી જતા પરિવાર સાથે સંપર્ક તૂટયો હતો. રાજકોટ ડિઝાસ્ટર વિભાગના મામલતદાર ચૌહાણે ગુમ થયેલા યુવાનો હેમખેમ હોવાના તેમના પરિવારજનોને વાવડ આપ્યા હતા.