જસદણમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરતાં યુવાન પાસે પૈસા પડાવવા તેના ફોનમાં ડાઉનલોડ કરાયેલી એપમાંથી નંબર અને ગેલેરી વગેરે માહિતી મેળવી લોન લીધી ન હોવા છતાં લીધાનું કહી રૂ.1500 ની માંગણી કરી તેના એડિટીંગ કરેલા અશ્લીલ ફોટા મિત્રો અને સંબંધીઓને મોકલી પરાણે પૈસા પડાવવાની કોશિષ કર્યાની જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જસદણ પોલીસે આ અંગે યશ નામના યુવાનની ફરિયાદ પરથી ત્રણ ફોન નંબરના ધારક અને ગેમ એપના ધારક સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
આ બનાવ અંગે યશે પોલીસને જણાવ્યું છે કે, તે નોકરી પર હતો ત્યારે એક શખ્સે તેને કોલ કરી તમે કેન્ડી ક્રશ એપમાંથી રૂ.1500 ની લોન લીધી છે તે રકમ અત્યારે ઓનલાઈન પેમેન્ટ કરી દે તેમ કહેતા તેને કોઈ લોન લીધી નથી તેવો જવાબ આપ્યો હતો. આથી કોલ કરનાર શખ્સ તારા મોબાઈલ કોન્ટેક્ટ મારી પાસે આવી ગયા છે હું તારા ફોટા એડિટીંગ કરીને અશ્લીલ ફોટા તારા કોન્ટેક્ટ નંબરમાં વોટ્સએપમાં મોકલીશ તેમ કહ્યું હતું અને તેને ફરી તેના એડિટીંગ કરેલા અશ્લીલ ફોટા તેના મિત્રો અને કાકા વગેરેને મોકલ્યા હતા.