રાજકોટ મનપાના પૂર્વ ઈન્ચાર્જ ટીપીઓ મનસુખ સાગઠિયાએ કરેલા ભ્રષ્ટાચારની તપાસ કરતી ચારેય સીટ હજુ સુધી કોઇ કૌભાંડ શોધી શકી નથી અથવા તો શોધવા ઈચ્છતી નથી. અલગ અલગ કૌભાંડ બહાર આવી રહ્યું છે. જેમાં નવું પ્રકરણ સામે આવ્યું છે કે, કોઠારિયા કોલોનીમાં શેરી અને કોમન પ્લોટમાં પાંચ માળની મસમોટી સ્કૂલ બની ગઈ છે. આ સ્કૂલ ગેરકાયદે દબાણ છે અને કાર્યવાહી કરવાની છે તેવું હાઉસિંગ બોર્ડથી માંડી શહેરી વિકાસ વિભાગે પણ જણાવ્યું છે. પણ ગાંધીનગરના આદેશને પણ મનસુખ સાગઠિયા ઘોળીને પી ગયા, ડિમોલિશન તો દૂર નોટિસ આપવાની પણ કાર્યવાહી કરી નથી.
શહેરના 80 ફૂટ રોડ પર કોઠારિયા કોલોની આવેલી છે. આ કોલોનીમાં ક્વાર્ટર નંબર 280 પાસે કોમન પ્લોટ આવેલો છે જ્યાં બે વર્ષ પહેલાં પાંચ માળની શાળા બની ગઈ. ક્વાર્ટરની જગ્યા જ નહિ પણ બાજુના 300 વારના કોમન પ્લોટ અને શેરી પર પણ દબાણ કરીને રસ્તો બંધ કરી દેવાયો હતો. ધોળા દિવસે આટલું મોટું ગેરકાયદે બાંધકામ થાય તે તંત્રના ધ્યાને ન આવે તેવું બને નહિ પણ તંત્ર એટલે કે ભ્રષ્ટ ટી.પી. શાખાના વડા મનસુખ સાગઠિયાને આ મામલે કાર્યવાહી કરવી જ ન હતી. રહેવાસીઓએ કામ ચાલુ હતું ત્યારથી માંડી શાળા બની ગઈ ત્યાં સુધીમાં અનેક ફરિયાદો કરી પણ મનપાએ કોઇ જ પગલાં લીધા નહીં. રહેવાસીઓએ જણાવ્યું કે, આ સ્કૂલના બિલ્ડિંગમાં ન્યૂ એરા સ્કૂલ અને લિટલ ચેમ્પના બોર્ડ માર્યા છે તેમજ સંચાલિકા અવનીબેન ડાંગર છે અને તેઓ સામે મનપા ઘૂંટણિયે થઈ જાય છે.