સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલુ માસથી ટેક્નિકલ સ્ટાફના કોન્ટ્રાક્ટ આધારિત 11 કર્મચારીઓના માસિક વેતનમાં વધારો કરવામા આવ્યો છે. પરંતું અન્ય 250 જેટલાં કર્મચારીઓનુ વેતન નિયત કરાયાને 3 વર્ષ ઉપરાંતના 4 વર્ષ એટ્લે કે, 7 વર્ષ વીતી ગયાં છતા પગાર વધારો કરવામા ન આવતા કરાર આધારિત કર્મચારીઓ રોષે ભરાયા છે અને કુલપતિને પગાર વધારો કરવા માટેની રજૂઆત કરી છે. આ વચ્ચે સ્વિમિંગ કોચે પગાર વધારો ન થતાં રાજીનામું ધરી દીધું છે. ઉપરાંત બાસ્કેટ બોલ કોચે પણ નોકરી છોડતા હવે યુનિવર્સિટીમાં માત્ર 2 રમતનાં કોચ જ રહ્યા છે. પગાર વધારા બાબતે કુલપતિ ડો. કમલ ડોડિયાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઇનાન્સિયલ કન્ડિશન તપાસ્યા બાદ પગાર વધારાનો નિર્ણય લેવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓએ કુલપતિ ડો. કમલ ડોડિયાને કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે, સિન્ડિકેટ બેઠકના 11-01-2019 ના ઠરાવ મૂજબ યુનિવર્સિટીમાં કાર્યરત કરાર આધારિત હાલ આઉટસોર્સિંગ એજન્સી મારફત ડેપ્યુટ થયેલા કર્મચારીના મહેનતાણા નિયત થયેલ છે. સમિતિની ભલામણ મુજબ ઉપરોક્ત મહેનતાણા દર ત્રણ વર્ષ માટે નિયત કરવામાં આવેલ છે. જેનો અમલ સપ્ટેમ્બર 2018થી કરવામાં આવ્યો હતો. હાલ પ્રવર્તમાન મોંઘવારીને ધ્યાને લઈને તેમજ નિયત સમયમર્યાદાની મુદત પૂર્ણ થયે પણ વધારાના અંદાજિત 4 વર્ષ જેવો સમયગાળો પણ વ્યતીત થયેલ હોય, યુનિવર્સિટીમાં કાર્યરત તમામ આઉટસોર્સિંગ સ્ટાફના મહેનતાણા રીવાઈઝ કરવા અંગે અને મોંઘવારીને ધ્યાને રાખી તેમાં વ્યાજબી વધારો કરવા અમારી વિનંતી છે.